વડોદરા ગ્રામ્ય કક્ષાના 7 દેવસ્થાનોના વિકાસની દરખાસ્તને CMએ આપી મંજુરી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રદ્ધાળુઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો
- વડોદરા જિલ્લાના પાદરાના 6 અને શિનોરના 1 ધાર્મિક સ્થળોનો રૂ. 1.52 કરોડના ખર્ચે થશે વિકાસ
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શનિવારે શ્રદ્ધાળુઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના 7 નાના-નાના દેવસ્થાનોના વિકાસની દરખાસ્તને મંજુરી આપી છે. જેને લઈને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ(GPYCB)ના સચિવ આર. આર. રાવલે કહ્યું કે, “વડોદરા જિલ્લામાં પાદરાના 6 અને શિનોરના 1 ધાર્મિક સ્થળોનો રૂ. 1.52 કરોડના ખર્ચે વિકાસ થશે.”
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણય મુજબ, વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના 7 નાના-મોટા દેવસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તાને મંજુરી આપવામાં આવી છે. આ દરખાસ્ત જીપીવાયવીબી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગ્રામ્ય શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રો એવા પાદરાના 6 અને શિનોરના 1 દેવસ્થાનોના વિકાસની આ દરખાસ્તને મંજુરી આપી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ દરખાસ્તને મંજુરી મળતાં આ 7 દેવસ્થાનોના વિકાસનો માર્ગ મોકળો થયો છે.
મુખ્યમંત્રીએ આપેલી મંજૂરી વિશે GPYCBના સચિવે શું જણાવ્યું ?
જીપીવાયવીબીના સચિવ આર. આર. રાવલે જણાવ્યું કે, “બોર્ડને વડોદરા જિલ્લાના અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો તરફથી નાના-નાના તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળી હતી. બોર્ડે આ દરખાસ્તો મુખ્યમંત્રી સમક્ષ મૂકી હતી. મુખ્યમંત્રીએ આ દરખાસ્તો ઉપર કાળજીપૂર્વક વિચારણા કરી વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના નાના-નાના 7 દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા 1.52 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપી છે. આ અગાઉ પણ રાજ્ય સરકારે વડોદરા શહેર અને જિલ્લાના 4 તીર્થસ્થાનોના કામો માટે રૂ. 7.45 કરોડ મંજુર કર્યા હતાં.”
મુખ્યમંત્રીએ ક્યાં-ક્યાં વિકાસ કામોને આપી મંજૂરી ?
મુખ્યમંત્રી દ્વારા વડોદરા જિલ્લાના જે દેવસ્થાનોના સર્વાંગી વિકાસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે, તેમાં સરકાર હસ્તકના પાદરાના ચાણસદમાં આવેલા લાલજી મહારાજ મંદિર ખાતે રૂ. 10.17 લાખના વિકાસ કામો, ડભાસામાં આવેલા રણછોડજી મંદિર ખાતે રૂ. 11.22 લાખના વિકાસ કામો, આમળામાં આવેલા મુરલીધર મંદિર ખાતે રૂ. 13.23 લાખના વિકાસ કામો, ઉમરાયામાં આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂ. 13.78 લાખના વિકાસ કામો, મોભામાં આવેલા દુર્ગેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂ. 27.65 લાખના વિકાસ કામો અને અંબાડામાં આવેલા નરસિંહજી મંદિર ખાતે રૂ. 25.95 લાખના વિકાસ કામો કરવામાં આવશે. આમ, સરકાર હસ્તકના આ ૬ તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા 1.02 કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત, શિનોરના માલસરમાં આવેલા સત્યનારાયણ મંદિર ખાતે રૂ. 50 લાખના વિકાસ કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ પણ જાણો :વાયબ્રન્ટ ગુજરાત માટે વડોદરાએ રંગ રાખ્યો, મહત્તમ મૂડીરોકાણના MOU કર્યા