ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક કાર અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતાં 4ના મૃત્યુ
- મોડાસાના ચાર રહેવાસીઓના અકસ્માતમાં થયાં મૃત્યુ, એક યુવક ગંભીર રીતે ઘાયલ
- પોલીસે ભારે જહેમત બાદ યુવકોના મૃતદેહને કારમાંથી બહાર કાઢ્યા હતા
રાજસ્થાન : ગુજરાત-રાજસ્થાનની સરહદ પર રતનપર ચેકપોસ્ટથી નજીક નેશનલ હાઈવે 48 પર વીંછીવાડાની હદમાં શુક્રવારે મોડી રાતે કાર અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતાં ભયાનક અકસ્માતની ઘટના બની હતી. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા ચાર યુવકોના મૃત્યુ થયા છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને સારવાર માટે ડુંગરપુર ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
કેવી રીતે સર્જાયો સરહદ નજીક અકસ્માત ?
નેશનલ હાઈવે 48 પર પુર ઝડપે રોન્ગ સાઇડમાં આવતી કાર ખાનગી બસમાં ઘુસી ગઇ હતી. ખાનગી બસના ડ્રાઇવરે દૂરથી કારની ઝડપ જોઇને બસને રોડની સાઇડમાં ઉભી કરી દીધી હતી જેને કારણે મોટી જાનહાનિ થતા બચી ગઇ હતી. ફૂલ સ્પીડમાં કાર આવતી હોવાથી ડ્રાઇવર બસને નજીક જોઇને કંટ્રોલ કરી શક્યો ન હતો અને જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ
રતનપુર ચોકી નજીક બનેલી આ ઘટના બાદ રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોણા કલાકની જહેમત બાદ કારમાંથી ચારેય વ્યક્તિના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. મૃતકોની પ્રાથમિક ઓળખ શામળાજી નજીકના ગ્રામીણ વિસ્તારના યુવકો તરીકે થઇ છે. પોલીસે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવના પગલે પરિવારજનોનો ઘેરા શોકમાં ગરકાવ થયો છે.
આ પણ જાણો :CGST અમદાવાદ નોર્થ વિભાગે વિરમગામ GIDCમાં 2 કરોડની કરચોરીનો કર્યો પર્દાફાશ