છત્તીસગઢમાં સલામતી દળો – નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે નક્સલી ઠાર
- કાંકેર જિલ્લામાં ડીઆરજી સૈનિકો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા
- તેમની પાસેથી એક ઇન્સાસ રાઇફલ, 12 બોરની રાઇફલ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા
છત્તીસગઢ: કાંકેર જિલ્લાના અંતાગઢ વિસ્તારમાં DRG, BSFની ટીમ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જવાનોએ નક્સલવાદી કેમ્પને નષ્ટ કરી દીધો હતો. આ અથડામણમાં બે નક્સલવાદીઓ ઠાર મરાયા હતા. પોલીસ અધિક્ષક દિવ્યાંગ પટેલે અથડામણની પુષ્ટિ કરી છે. વાસ્તવમાં ડીઆરજી અને બીએસએફની સંયુક્ત ટીમ વહેલી સવારે અંતાગઢ વિસ્તારમાં સર્ચિંગ માટે નીકળી હતી. આ દરમિયાન સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જવાનોનો દાવો છે કે આ અથડામણમાં ઘણા નક્સલવાદીઓ ગોળીઓથી ઘાયલ થયા છે. ગોળીબાર બંધ થયા બાદ ઘટનાસ્થળેથી બે પુરૂષ નક્સલવાદીઓના મૃતદેહ, એક ઈન્સાસ રાઈફલ, એક 12 બોરની રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે મૃત્યુ પામેલા નક્સલવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
छत्तीसगढ़: कांकेर जिले के अंतागढ़ इलाके में DRG, BSF टीम और नक्सलियों के बीच मुठभेड़ हुई। पुलिस ने नक्सली कैंप को ध्वस्त कर दिया है। इलाके में खोड अभियान जारी है।
— ANI_HindiNews (@AHindinews) November 5, 2023
ત્રણ દિવસ પહેલા ગુરુવારે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી પહેલા નક્સલવાદીઓએ છોટેબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરાખંડી ગામના ત્રણ ગ્રામજનોની હત્યા કરી નાખી હતી. તેમના પર પોલીસ બાતમીદાર હોવાનો આરોપ લગાવીને નક્સલવાદીઓએ તેમને સાર્વજનિક અદાલતમાં મોતની સજા સંભળાવી અને તેમનું ગળું કાપી નાખ્યું હતું. ગામલોકો ત્રણેય મૃતદેહોને ટ્રેક્ટર ટ્રોલીમાં લઈને બેઠિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કાંકેર જિલ્લાના છોટાબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તાર મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાને અડીને આવેલો છે. એવું માનવામાં આવે છે કે ચૂંટણીના માહોલમાં ગભરાટ ફેલાવવા માટે નક્સલવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ નક્સલી ઘટના બાદ સુરક્ષા દળોએ તપાસ અભિયાન તેજ કરી દીધું છે.
આ પણ વાંચો, હિંદુ ધર્મ વિશે ટીપ્પણી ભારે પડી, ગાઝિયાબાદના યુવકની થઈ ધરપકડ