ધો.9ની વિદ્યાર્થીનીને શાળામાં ચાલુ પરિક્ષાએ હાર્ટ એટેક આવતા મોત
- અમરેલીમાં આવેલી શાંતાબા ગજેરા શાળાનો બનાવ
- મૂળ જસદણના વીંછીયાની વતની સાક્ષી રોજાસરા પેપર લખતી હોય ત્યારે બેભાન થઈ ગઈ હતી
- સુરેન્દ્રનગરમાં પણ 30 વર્ષના યુવાને હૃદયરોગના હુમલાથી જીવ ગુમાવ્યો
રાજયમાં વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. ત્યારે આજે અમરેલીમાં એક વિદ્યાર્થિનીનું હાર્ટ અટેકથી મોત થયાનું પ્રાથમિક તારણ છે. વિદ્યાર્થિની શાળામાં પેપર લખતાં અચાનક ઢળી પડી હતી. જેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત જાહેર કરાઈ હતી.
મળતી માહિતી મુજબ, અમરેલીમાં શાંતાબા ગજેરા વિદ્યા સંકુલની વિધાર્થીનીનું મોત થયું છે. સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિની શાળામાં પરીક્ષા આપી રહી હતી. પેપર લખતા- લખતા તે અચાનક જ ઢળી પડી હતી. તાબડતોબ વિદ્યાર્થિનીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જો કે દુર્ભાગ્યવશ તબીબે તેને મૃત જાહેર કરી, વિદ્યાર્થિનીની જિંદગી ન બચાવી શકાય. સાક્ષી નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે તેમને લઇ જવાય હતી જો કે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સાક્ષી મૂળ જસદણ તાલુકાના વિછીયા ગામની રહેવાસી હતી. પ્રાથમિક તારણમાં મોતનું કારણ હાર્ટ અટેક માનવામાં આવી રહ્યું છે. જો કે મોતનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમ બાદ સામે આવશે.
જ્યારે કે, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના મફતીયાપરામાં 30 વર્ષીય સુરેશભાઈ કાનજીભાઈ ઘુઘલીયા રહે છે. તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.31ના રોજ કપાસની ગાડી ભરવાની મજૂરીએ ગયા હતા. જયાંથી ઘરે પરત આવીને જમવા બેઠા હતા. જમીને ઉભા થયા બાદ તરત ઉલ્ટી થઈ અને જમીન પર ઢળી પડયા હતા. તેમને લખતર સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે સૌ પ્રથમ સીપીઆર આપ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને સુરેશભાઈનું મોત થયું હતું. આ બનાવના પગલે તેના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.