ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

સાયન્સ સીટી ખાતે મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેન શોનું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ

Text To Speech
  • સોમવાર સિવાય દરરોજ મ્યુઝીકલ ફાઉન્‍ટેનનાં ૨૫ મિનીટનાં ઓછામાં ઓછા બે શો યોજાશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું છે. વર્ષ 2005 માં સાયન્સ સિટી ખાતે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીશ્રીએ શુક્રવારે સાંજે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.

2001માં નિર્માણ પામ્યું હતું સાયન્સ સિટી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2001માં 107 હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા સાયન્સ સિટીમાં દર વર્ષે એક-એક નવીન ગેલેરી અને નયનરમ્ય આકર્ષણો જોડવાની રાજ્ય સરકારે પરંપરા વિકસાવી છે. તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે સાયન્સ સિટીના મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરી છે. 50 મીટર ઊંચાઈની સેન્ટ્રલ વોટર જેટ, 800 જેટલી વિવિધ રંગબેરંગી લાઇટ્સ અને 15 કરતાં વધુ હાર્મોનાઈઝડ મ્યુઝિકલ પેટર્ન સર્જતી 600થી પણ વધુ નોઝલ સાથે આ ફાઉન્ટેન મુલાકાતીઓમાં આગવું આકર્ષણ જગાવશે.

શું ખાસ છે લેઝર સાઉન્ડ શોમાં ?

એટલું જ નહીં, 36×16 મીટરની વૉટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેઝર સાઉન્ડ શો સાથે 16×9મીટરની બે અન્ય સ્ક્રીન અને 3D પ્રોજેક્શનમાં 70 મીટરની 3 સ્ક્રીન દ્વારા મ્યુઝીકલ ફાઉન્ટેનનો નજારો લોકો માટે રોમાંચકારી બની રહેશે અને રાત્રીનાં સમયે આ ફાઉન્‍ટેન સમગ્ર વિસ્તારમાં રંગબેરંગી આકાશ જેવી આભા ઉપસાવશે. સોમવાર સિવાય આ મ્યુઝિકલ ફાઉન્ટેનના દરરોજના 25 મિનિટના ઓછામાં ઓછા બે સ્પેસ થીમ આધારીત શો યોજવામાં આવશે. સાયન્‍સ સિટીમાં આ અદ્યતન ફાઇન્‍ટેનનાં લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, સાયન્સ સિટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button