અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તારીખ પે તારીખની છબિ સુધારવા મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે શરૂ કરી આ કવાયત

  • છેલ્લા બે મહિનામાં વકીલો દ્વારા 3,688 કેસમાં સુનાવણીની તારીખ બદલવાની માગણી થઈ
  • સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે વકીલોને કરી વિનંતી
  • હું નથી ઈચ્છતો કે સુપ્રીમ કોર્ટ “તારીખ પે તારીખ અદાલત” બને : CJI

દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે શુક્રવારે વકીલોને વિનંતી કરતા કહ્યું  કે, “જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી કેસને મુલતવી રાખવા માટે ન પૂછો. હું નથી ઈચ્છતો કે સુપ્રીમ કોર્ટ ‘તારીખ-દર-તારીખ અદાલત’ બને”. ચીફ જસ્ટિસે આવા મામલાઓની માહિતી શેર કરતાં જણાવ્યું કે, “છેલ્લા બે મહિનામાં વકીલોએ 3,688 કેસમાં સુનાવણીની તારીખો બદલવાની માંગ કરી છે.” ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કોર્ટમાં કેસોને વારંવાર મુલતવી રાખવા, આગામી તારીખ લેવા અને કોર્ટમાં સુનાવણીની તારીખ લંબાવવાની વારંવાર માંગ કરવાના ચાલી રહેલા વલણ પર આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.

 

બે મહિનામાં વકીલોએ 3000થી વધુ કેસમાં સુનાવણીની નવી તારીખ આપવાની કરી માંગ 

CJI ડી.વાય. ચંદ્રચુડે કોર્ટમાં પેન્ડિંગ કેસો મોકૂફ રાખવા પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં વકીલોને કહ્યું કે, “હું સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ થવા અને કેસ પ્રથમ વખત સુનાવણી માટે આવે તે સુધીની સંપૂર્ણ પ્રક્રિયા પર દેખરેખ રાખી રહ્યો છું તેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછો સમય લાગે.” ચંદ્રચુડે વધુમાં કહ્યું કે, “તેમની પાસે 3 નવેમ્બર માટે 178 કેસની સુનાવણી મુલતવી રાખવાની વિનંતી કરવામાં આવી હતી. જો આપણે ડેટા પર નજર કરીએ તો, વકીલો દ્વારા દરરોજ 154 કેસ સ્થગિત કરવા માટેની સ્લિપ ફાઇલ કરવામાં આવે છે. આમ સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં 3,688 એડજસ્ટમેન્ટ થયા હતા. પેન્ડિંગ કેસોની સુનાવણી ઝડપી બનાવવા માટે સુનાવણીની સ્થગિતતા પર નિયંત્રણ જરૂરી છે.

કેસ મુલતવી રાખવાના આંકડાઓનું અવલોકન કરતાં આ બાબત જાણવા મળી

CJIની આ ટિપ્પણી કેસની સ્થગિતતા સંબંધિત ડેટાનું અવલોકન કરતી વખતે પ્રકાશમાં આવી હતી. જ્યારે CJI ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સુનાવણી માટે એકઠી થઈ, ત્યારે કોર્ટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સર્ક્યુલેટ થયેલી કેસ મુલતવી રાખવાની સ્લિપની નોંધ લીધી હતી અને CJIના ધ્યાનમાં આ બાબત આવતાં જણાવ્યું હતું કે, “આ બાબત જ કેસના ઝડપી નિકાલ કરવાના હેતુને નિષ્ફળ કરે છે.” CJIએ બારના સભ્યોને વિનંતી કરતાં વધુમાં જણાવ્યું કે, “જ્યાં સુધી ખરેખર જરૂરી ન હોય ત્યાં સુધી કેસને સ્થગિત કરવાની માંગ ન કરે. કેસોની પ્રથમ સુનાવણીનો સમયગાળો ઓછો રહે તેની ખાતરી કરવા માટે તેઓ ફાઇલિંગ પર નજર રાખી રહ્યા છે.”

આ પણ જુઓ :સમલૈંગિક લગ્નને માન્યતા નહીં આપવાનો ચુકાદો યોગ્ય છેઃ CJI ચંદ્રચુડ

Back to top button