અમદાવાદમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી : ત્રણથી ચાર બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા
- જાણીતા અવિરત અને શિપરમ ગ્રુપ સહિત 4 ગ્રુપ પર IT વિભાગનો સપાટો
- આવકવેરા વિભાગનો 150થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો
અમદાવાદ : શહેરમાં ફરી આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના ત્રણથી ચાર બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા વિભાગ દ્વારા શુક્રવારે દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમ ગ્રુપ સહિત 4 ગ્રુપ પર IT વિભાગ ત્રાટકયુ છે તેમજ આ બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ આવકવેરા વિભાગના રડારમાં છે. ઇન્કમટેક્સ વિભાગનો 150થી પણ વધુ અધિકારીઓનો કાફલો આ તપાસમાં જોડાયો છે અને આ તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે
દિવાળી નજીક આવતાં આવકવેરા વિભાગ એક્શન મોડમાં
દિવાળી નજીક આવી રહી છે ત્યારે સાયન્સ સિટી રોડ સહિત અનેક એરિયામાં વિવિધ પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડરો જેવા કે ત્રિકમભાઈ પટેલ, અનિલભાઈ પટેલના ઠેકાણા સહિત 24 જેટલા સ્થળોએ IT વિભાગની ટીમો પહોંચી છે તો શહેરના જાણીતા અવિરત ગ્રુપ સહિત ૪ ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. આ બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા શહેરના બે ટોચના બ્રોકર પણ ઇન્કમટેક્સ વિભાગની ઝપટમાં આવ્યા છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. ઇન્કમટેક્સ વિભાગનો 150થી પણ વધુ અધિકારીઓનો કાફલો આ તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટો મુદ્દામાલ મળી આવે તેવી સંભાવના રહેલી છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્ડર્સના ત્યાં બેનામી સંપત્તિ હોવાના ઇનપુટ મળ્યા હતા, જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ તમામના ઓફિસ અને ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ પણ આવકવેરા વિભાગે કર્યુ હતુ મોટું સર્ચ ઓપરેશન
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદમાં બે કેમિકલ કંપની પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યુ હતુ. બ્લીચ કેમ અને ધારા કેમિકલ કંપની પર 5 દિવસ સુધી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી હતી. આવકવેરા વિભાગની તપાસમાં 200 કરોડ રુપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. આવકવેરા વિભાગની તપાસમાં મોટા પ્રમાણમાં રોકડ, સોના-ચાંદીના દાગીના, ડિજિટલ ડેટા મળી આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન સીઝ કરાયેલા 20 બેંક લોકરની પણ તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કાળા નાણાનું જમીન અને મકાનોમાં રોકાણ કરવામાં આવતું હોવાની માહિતી જાણવા મળી હતી.
આ પણ જુઓ :અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી, પ્લાસ્ટિકના ઉપયોગ પગલે 6 એકમો સીલ