અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત
રાજ્યમાં યુનિવર્સિટી એડમિશનની પ્રક્રિયા સરળ બનાવવા શરૂ કરાશે કૉમન પોર્ટલ
ગાંધીનગર: ગુજરાતમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ કાર્યરત રહેશે. આ પોર્ટલનું નામ ‘ગુજરાત કૉમન એડમિશન સર્વિસીસ’ (GCAS) છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. આ એપ્લિકેશન અભ્યાસલક્ષી તમામ માહિતી ત્વરિત મળી રહે તે હેતુથી વિકસાવવામાં આવી છે. જેમાં સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આવરી લેતી શરૂઆતથી અંત સુધીની એડમિશન પ્રક્રિયાને સરળતાથી સંચાલિત કરવામાં આવશે.
GCAS પોર્ટલ વિશે માહિતી આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઓડીટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરાતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી આ પોર્ટલ મારફત કરી શકાશે. હાલમાં દરેક વિદ્યાર્થી સરેરાશ રૂ. ૫૦૦ ખર્ચીને અંદાજે પાંચ કોર્સમાં અરજી કરે છે, તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફી માં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. વિદ્યાર્થીઓ માટે દરેક યુનિવર્સિટી અને કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટેનો સમયગાળો પણ એક જ રહેશે. આ પોર્ટલ કાર્યરત થતા હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીને અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા નહિ કરવી પડે, જેથી યુનિવર્સિટીનો સમય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવામાં આવતા ફંડની બચત થશે.
ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ મારફત પ્રવેશ પ્રક્રિયાની તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને ચોઇસ ભરવા સાથે ઓનલાઇન નોંધણી, બોર્ડનો ડેટા ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીનું પરિણામ સીટ નંબર દાખલ કરવાથી જાતે જ ઉપલબ્ધ થશે. એડમિશનની સરળતા માટે સહાય કેન્દ્ર દ્રારા કોલેજ કક્ષાએ જ વિધાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરાશે, તેમજ નિયમ મુજબ મેરિટ બનાવવું અને વિદ્યાર્થીઓના ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત કરાઈ છે.
આ ઉપરાંત, એડમિશન માટેનું કન્ફર્મેશન અને વિદ્યાર્થીઓ દ્વારા ફી ની ઑનલાઈન ચૂકવણી સહિત SMS કે ઈમેલ દ્વારા માહિતી વિતરણની પણ સેવાઓ આ પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, કૉલેજ તમામને OTP આધારિત લોગિનની સુવિધા અને શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ માટે અલગ ડેશબોર્ડ, રિપોર્ટ્સ માટેની પણ આ પોર્ટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.