મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની તારીખોમાં ફેરફાર
- તા.04/11/2023ના બદલે તા.26/11/2023 અને તા.02/12/2023ના બદલે તા.09/12/2023 ના રોજ યોજાશે ખાસ ઝુંબેશ દિવસ
- તા.05/11/2023 અને તા.03/12/2023 ના દિવસોએ ખાસ ઝુંબેશ યથાવત રહેશે
ગાંધીનગરઃ લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝુંબેશ દિવસ તરીકે અગાઉ નિયત કરવામાં આવેલી તા.04/11/2023 અને તા.02/12/2023 એમ બે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર હવે તા.04/11/2023ના બદલે તા.26/11/2023(રવિવાર) તથા તા.02/12/2023ના બદલે તા.09/12/2023 (શનિવાર)ને ખાસ ઝુંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યા છે. આ સાથે જ ખાસ ઝુંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવેલા તા.05/11/2023 (રવિવાર) અને તા.03/12/2023 (રવિવાર)ના દિવસોએ ખાસ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે.
હાલ મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા છે. જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તથા તમામને EPIC (મતદાર ઓળખપત્ર) ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પુનઃગઠન બાદ કુલ 50,677 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન આગામી તા.05/11/2023 ને ખાસ ઝુંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે. આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે.
વધુમાં, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને VSP ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકાશે.
આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મળેલી હક્ક-દાવાઓની અરજીઓનો નિકાલ કરી તા.05/01/2024ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે, Image PDF ફોર્મેટમાં મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોની મતદાર યાદી જોવા મળી શકશે.
આ પણ વાંચો : દેશમાં વાહનોના વેચાણમાં ઑક્ટોબર, 2023માં રેકોર્ડ વૃદ્ધિ નોંધાઈ