ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાને પણ ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાની કામગીરી શરૂ કરી

ઈસ્લામાબાદ: પાકિસ્તાને દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ લોકોની દેશ છોડવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. પાકિસ્તાન સરકારે ગેરકાયદેસર વસાહતીઓને 1 નવેમ્બર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ જારી કર્યો હતો. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો રહે છે, તેમની સંખ્યા લગભગ 17 લાખ છે. ગયા મહિને સરકારે તમામ બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને 31 ઑક્ટોબર સુધીમાં પાકિસ્તાન છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેમાં એવી જાહેરાત કરાઈ હતી કે 1 નવેમ્બરથી દેશ ન છોડનારા ગેરકાયદેસર વસાહતીઓ સામે કાર્યવાહી હાથ ધરાશે.

પોલીસે કરાચી, રાવલપિંડી, ઈસ્લામાબાદ, પેશાવર, ક્વેટા અને અન્ય શહેરો સહિત પાકિસ્તાનના વિવિધ ભાગોમાં દસ્તાવેજો વિના રહેતા ઘણા લોકોની ધરપકડ પણ કરી છે. એક રિપોર્ટ મુજબ, કરાચીમાં સત્તાવાળાઓએ સદર વિસ્તારમાંથી ચાર ગેરકાયદેસર અફઘાન વસાહતીઓની અટકાયત કરી હતી અને તેમને હોલ્ડિંગ સેન્ટરમાં મોકલ્યા હતા જ્યાંથી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેમને અફઘાનિસ્તાન પાછા મોકલવામાં આવશે. એ જ રીતે, બલૂચિસ્તાનના ચમન વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએથી ડઝનબંધ ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન છોડવાની સમયમર્યાદા જારી થયા બાદ મોટી સંખ્યામાં અફઘાન શરણાર્થીઓ ચમન પહોંચ્યા. તેમણે કહ્યું કે, નોંધણી પછી બિનદસ્તાવેજીકૃત સ્થળાંતરિત અફઘાન પરિવારોને હોલ્ડિંગ સેન્ટરોમાં સ્થાનાંતરિત કરાયાછે. અત્યાર સુધીમાં લગભગ 5000 ગેરકાયદે અફઘાન શરણાર્થીઓને હોલ્ડિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અફઘાન કમિશનરેટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા લગભગ 104,000 અફઘાન શરણાર્થીઓ અત્યાર સુધીમાં અફઘાનિસ્તાન પરત ફર્યા છે. જેમાં 28 હજાર પુરૂષો, 19 હજાર મહિલાઓ અને 56 હજાર બાળકોનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનમાં 40 લાખ અફઘાન નાગરિકો રહે છે

સત્તાવાર અંદાજ મુજબ, પાકિસ્તાનમાં 40 લાખથી વધુ અફઘાન વસવાટ કરે છે, જેમાંથી લગભગ 17 લાખ ગેરકાયદેસર રીતે રહે છે. જેઓ કથિત રીતે ઉગ્રવાદ અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે. પાકિસ્તાનમાંથી ગેરકાયદેસર રીતે રહેતા લોકોને બહાર કાઢવાનો નિર્ણય આ વર્ષે આતંકવાદમાં વધારો થયા બાદ લેવામાં આવ્યો હતો, જેમાં 14 આત્મઘાતી હુમલાનો સમાવેશ થાય છે. તેમાં અફઘાન નાગરિકો સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. પાકિસ્તાનના આ પગલાની ઘણા આંતરરાષ્ટ્રીય જૂથો તેમજ તાલિબાનની આગેવાની હેઠળની અફઘાન સરકાર દ્વારા ટીકા કરવામાં આવી છે.

આ પણ વાંચો: માત્ર પાકિસ્તાનની પ્રગતિ ઉપર ધ્યાન આપવું છે: પરત ફર્યા પછી નવાઝ શરીફનું નિવેદન

Back to top button