ભાવનગર ડિવિઝનઃ જૂનાગઢ રેલવે સ્ટેશને “સ્ટેશન મહોત્સવ” ઉજવવામાં આવ્યો
પશ્ચિમ રેલવે: પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં સ્થિત જૂનાગઢ રેલવે સ્ટેશન પર 29 અને 30 ઓક્ટોબર, 2023 ના રોજ “સ્ટેશન મહોત્સવ” ઉજવવામાં આવ્યો હતો. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ બે દિવસીય સ્ટેશન મહોત્સવમાં ભારતીય રેલવેના ભવ્ય વારસા, ઈતિહાસ, લોક કલા અને સંસ્કૃતિના સમન્વયની ઝાંખી વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી.
સ્ટેશન મહોત્સવમાં ફોટો પ્રદર્શન યોજાયું
સ્ટેશન ખાતે રેલવેના ઈતિહાસ અને ભાવનગર ડિવિઝનના વિવિધ પ્રાચીન સ્ટેશનોના ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, યાત્રીઓ અને નાગરિકોએ સ્ટેશન પર પ્રદર્શન નિહાળ્યું હતું. આ સાથે તેમને રેલવેના ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી પણ આપવામાં આવી હતી. સ્ટેશન પર મુકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જ્યાં લોકો દ્વારા સેલ્ફીઓ લેવામાં આવી હતી.
આ પણ વાંચો: ભાવનગર-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, આજથી બુકિંગ શરૂ
લોકડાયરા સાથે શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી
“સ્ટેશન મહોત્સવ” અંતર્ગત ‘ભવ્ય ભૂતકાળથી ગતિશીલ વર્તમાન સુધીની રેલવેની સફર’ થીમ પર બનેલી શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. “સ્ટેશન મહોત્સવ” કાર્યક્રમને રેલ્વે મુસાફરોએ ખુબ વધાવ્યો હતો. જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે બંને દિવસે સાંજે 06.30 કલાક થી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકવાદ્યો, લોકસંગીત, લોક ડાયરો અને વિવિધ નૃત્ય કલાઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં જાણીતા લોકગાયક રામન ભરવાડ, ઉમાબેન ગઢવી લોકગાયિકા, આકાશ નાવલિયા લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર, હિન્દી ગીતોની ગાયિકા અનિષા કૈરૈયા જેવા ઉત્કૃષ્ટ કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. આ મહોત્સવ દરમિયાન જૂનાગઢ રેલ્વે સ્ટેશનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે ‘સ્ટેશન મહોત્સવ’ કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ અધિકારીઓ અને કાર્યક્રમ સાથે સંકળાયેલા રેલ્વે કર્મચારીઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓ, મીડિયાના પ્રતિનિધિઓ, જૂનાગઢના લોકો અને તમામ યુનિયનના તિનિધિઓ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટ ડિવિઝનઃ રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓનું સન્માન