ગુજરાત માટે ગૌરવની ક્ષણ સમાન સન્માન મળ્યું છે. ગુજરાત પોલીસની ATS ની ટીમને યુનિયન હોમ મિનિસ્ટર સ્પેશિયલ ઓપરેશન મેડલથી સન્માનિત કરાઈ છે. ATS ડીઆઈજી દીપન ભદ્રન, એસપી સુનિલ જોશી અને તેમની ટીમે ગયા વર્ષે 1500 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઓપરેશનમાં એક મહિલા પીએસઆઈ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
દીપન ભદ્રન અગાઉ પણ સન્માનિત થયા છે
નોંધનીય છે કે અગાઉ ડીઆઈજી દીપન ભદ્રનને પણ અપવાદરૂપ બુદ્ધિ કાર્યક્ષમતા મેડલથી નવાજવામાં આવ્યા હતા. કોસ્ટ ગાર્ડે ડીઆઈજી દીપન ભદ્રન અને એસપી સુનિલ જોશીને પણ આઈસીજી કમ્મેન્ડેશન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. એટીએસ ટીમમાં ડીઆઈજી દીપન ભદ્રન, એસપી સુનિલ જોષી, ડીવાયએસપી બળવંતસિંહ ચાવડા, ડીવાયએસપી ભાવેશ રોજીયા, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, પીઆઈ વિષ્ણુકુમાર પટેલ, સંજયકુમાર પરમાર, જતીન કુમાર પટેલ, જયેશ ચાવડા, હસમુખભાઈ ભરવાડ, પીએસઆઈ ભીખાભાઈ કોરોટ, રવિરાજસિંહ રાણા, કોમલ વ્યાસ, મૃણાલ શાહનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારે અભિનંદન પાઠવ્યા હતા
મહત્વનું છે કે, ગુજરાત ATSની ટીમ ગૌરવપૂર્ણ એવોર્ડથી જ્યારે સન્માનિત થઈ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભદ્રન અને તેમની આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.