મહારાષ્ટ્ર: મરાઠા આંદોલનના સમર્થનમાં 3 ધારાસભ્યો, 2 સાંસદોએ રાજીનામાં ધર્યા
મુંબઈ: મરાઠા અનામત આંદોલનના સમર્થનમાં મહારાષ્ટ્રના 3 ધારાસભ્યો અને 2 સાંસદોએ રાજીનામાં આપી દીધાં છે. જેમાં શિંદે જૂથના બે સાંસદો હેમંત પાટીલ અને હેમંત ગોડસેની સાથે શિંદે જૂથના ધારાસભ્ય રમેશ બોરનારે, કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ વરપુડકર અને ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ પવાર સામેલ છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગને લઈને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલુ છે.જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. 30 ઑક્ટોબરે બીડમાં આંદોલને હિંસક વળાંક લીધો જ્યારે એક બીજેપી નેતા અને એનસીપીના એક નેતાના ઘરો પર હુમલો કરવામાં આવ્યો અને આગ લગાડવામાં આવી.
આ દરમિયાન સીએમ એકનાથ શિંદે જૂથના સાંસદો પણ આ અનામતના સમર્થનમાં આવ્યા છે અને અત્યાર સુધીમાં બે સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હિંગોલીના સાંસદ હેમંત પાટીલ અને નાસિકના સાંસદ હેમંત ગોડસેએ રાજીનામું આપી દીધું છે. બંને સાંસદોએ મરાઠા સમુદાય પ્રત્યે સમર્થન દર્શાવવા માટે આ પગલું ભર્યું છે. આ બંને સાંસદો એકનાથ શિંદેના નજીકના માનવામાં આવે છે. એટલું જ નહીં, શિંદે જૂથના વૈજાપુર વિધાનસભાના ધારાસભ્ય રમેશ બોરનારેએ મરાઠા સમુદાયને અનામત મળે તે માટેવિધાનસભાના સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. આમ, અત્યાર સુધી શિંદે જૂથના ત્રણ નેતાઓએ રાજીનામાં ધર્યા છે.
ભાજપના નેતા લક્ષ્મણ પવારે સોમવારે મરાઠા અનામતના સમર્થનમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. લક્ષ્મણ પવાર બીડ જિલ્લાના જિયોરાઈ મતવિસ્તારના ધારાસભ્ય છે. પવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પત્ર મોકલ્યો છે. તેમજ પરભણીથી કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ વરપુડકરે પણ રાજીનામું આપી દીધું છે. મરાઠા આંદોલનમાં હિંસા બાદ મહારાષ્ટ્ર પોલીસે NCP નેતાઓની સુરક્ષા વધારી દીધી છે. મુંબઈમાં મંત્રાલયની સામે સ્થિત એનસીપીના નવા કાર્યાલયની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના બંગલાની આસપાસના રસ્તાઓ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું, ટોળાએ NCP ધારાસભ્યના ઘરે આગ ચાંપી