વેકેશનમાં થાઈલેન્ડ જવા માગતા ભારતીય પ્રવાસીઓને વિઝાની જરૂર નહીં પડે
- 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં રહી શકશે
- થાઈલેન્ડે આ નિર્ણય પ્રવાસનને વેગ આપવા માટે લીધો
- ભારત થાઈલેન્ડનું ચોથું સૌથી મોટું પ્રવાસન બજાર બન્યું
બેંગકોક: હવે ભારતથી થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. થાઈલેન્ડના સરકારી પ્રવક્તાએ આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ભારત અને તાઈવાનથી આવનારા લોકો મોટા વિઝાની જરૂરિયાત નહીં પડે. આ છૂટ નવેમ્બર 2023થી મે 2024 સુધી આપવામાં આવશે. થાઈલેન્ડ એક પર્યટન સ્થળ તરીકે વિકસ્યું છે. જેના કારણે દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓએ અહીં આવતા હોય છે. અગાઉ થાઈલેન્ડે સપ્ટેમ્બરમાં ચાઈનીઝ પ્રવાસીઓને વિઝામાં છૂટ આપી હતી.
થાઈ સરકારના પ્રવક્તા ચાઈ વાચારોન્કેએ જણાવ્યું કે, ભારત અને તાઈવાનથી આવતા લોકો 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં રહી શકશે. થાઈલેન્ડ પ્રવાસીઓ માટે વિઝાના નિયમો હળવા કરવાની શક્યતા શોધી રહ્યું છે, જેમાં વિઝામાં છૂટ અને પ્રવાસીઓ માટે અહીં રોકાવવાનો સમયગાળો લંબાવવામાં આવી શકે છે. મલેશિયા, ચીન અને સાઉથ કોરિયા પછી લગભગ 1.2 મિલિયન પ્રવાસી સાથે ભારત આ વર્ષે અત્યાર સુધીના પ્રવાસન માટે થાઈલેન્ડનું ચોથું સૌથી મોટું સ્ત્રોત બજાર બની ગયું છે.
હાલમાં ભારતના પર્યટકોને બે દિવસના થાઈલેન્ડ વિઝા માટે 2,000 ભાટ (લગભગ $57) ચૂકવવા પડે છે. થાઈલેન્ડની નવી સરકારનો લક્ષ્યાંક આવતા વર્ષે વિદેશી પ્રવાસીઓ દ્વારા આવક વધારીને 3.3 ટ્રિલયન ભાટ સુધી પહોંચાડવાનો છે. જેમાં પ્રવાસ ઉદ્યોગ સૌથી મોટો આર્થિક સ્ત્રોત છે. બેન્ક ઑફ થાઈલેન્ડના ડેટા અનુસાર, પ્રવાસન GDP લગભગ 12% અને રોજગારીમાં લગભગ પાંચમા ભાગનું યોગદાન આપે છે. સરકારી આંકડા મુજબ, જાન્યુઆરીથી ઑક્ટોબર 29 સુધીમાં થાઇલેન્ડમાં 22 મિલિયન મુલાકાતીઓ આવ્યા હતા, જેના કારણે દેશની આવક 25 બિલિયન ડૉલરે પહોંચી હતી.
આ પણ વાંચો: શ્રીલંકાએ ભારત સહિત સાત દેશોના પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશને આપી મંજૂરી