સુરતમાં પૂર જેવી સ્થિતિ ઊભી થાય તે પહેલાં ફાયરવિભાગ સજ્જ, રેસ્ક્યુ બોટ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ
ચોમાસુ શરૂ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળે છે. દરેક ચોમાસા વખતે સુરત જિલ્લામાં કે ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. જેના પરિણામે સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં 5 થી 8 ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે રેસ્ક્યુ કરવાની ફરજ પડતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તમામ પાર્ટીશનોને એલર્ટ કરી દીધા છે.
ફાયર વિભાગે આગોતરું આયોજન કરી લીધું
ચોમાસા દરમિયાન લગભગ દર વખતે સુરતમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ જોવા મળે છે. શહેર અને જિલ્લામાં વધુ પડતો વરસાદ થાય તો પૂરની સ્થિતિ ઉભી થાય છે જેના કારણે તેની આસપાસ રહેતા હજારો લોકોને તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવાની ફરજ પડે છે. તેવા સમયે સુરત ફાયર વિભાગ દ્વારા યોગ્ય અને ઝડપથી કામગીરી કરવામાં આવે તે ખુબ જરૂરી બની રહે છે. જેને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન ઉભી થાય.
રેસ્ક્યુ બોટ સહિત સામાન સજ્જ
ચોમાસામાં સુરતમાં હંમેશા પૂરનું સંકટ તોળાતું રહે છે. ઘણી વખત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધુ પડતો વરસાદ નોંધાય તો સુરત માટે મુશ્કેલીઓ ઉભી થાય છે. એક તરફ હથનુર ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરી દેવાય છે તો બીજી તરફ ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ થાય તો ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થતો રહે છે. તેવી સ્થિતિમાં જો ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો સુરત શહેરમાં પૂર આવે છે. એવા સમયે તાપી નદીની આસપાસના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી ખૂબ જ ઝડપથી કરવી પડે છે માટે ફાયર વિભાગ તમામ પ્રકારની તૈયારીઓ ચોમાસા શરૂ થતાની સાથે જ પૂર્ણ કરી લે છે.
NDRFની ટીમ આવે તે પહેલાં સ્થાનિક સ્તરે રેસ્ક્યુ જરૂરી: ચીફ ફાયર ઓફિસર
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે સુરત શહેર પૂરનું સંકટ હંમેશાં તોળાતું રહે છે, ત્યારે કોઈપણ પ્રકારની નિષ્ક્રિયતા રાખવી એ જોખમી પુરવાર થઈ શકે છે. માટે સુરત શહેર વિભાગના તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રેસ્ક્યુ બોટ 34, પાવર બોન્ઝો મશીન 65, રિંગ બોયા જેકેટ 500 સહિતના ઇક્વિપમેન્ટ સાથે ફાયર વિભાગ સજ્જ છે. પાર્ટીશનોના તમામ ઓફિસરોને અને જવાનોને ચોમાસામાં પૂર જેવી સ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશનની તાલીમ આપી દેવામાં આવી છે. જરૂર પડે તો NDRFની ટીમનો પણ સંપર્ક કરીને તેમને બોલાવવામાં આવશે. પરંતુ NDRFની ટીમ આવે તે પહેલા શક્ય હોય તેટલું ફાયર વિભાગ લોકોને રેસ્ક્યુ ઝડપથી કરે તેના માટે અમે કામગીરી પૂર્ણ કરી છે.