દિવાળી આવી, ફટાકડાના ધૂમાડાથી બચવા અસ્થમાના દર્દીઓ રાખે કાળજી
- પ્રદૂષિત વાતાવરણમાં શ્વાસ લેવાનું અસ્થમાના રોગીઓ માટે તકલીફો ઊભી કરી શકે છે. દિવાળીની ખુશીઓના રંગમાં ભંગ ન પડે તે માટે અસ્થમાના દર્દીઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન જરૂર રાખે
અમદાવાદ, 30 ઑક્ટોબરઃ દેશમાં તહેવારોની શરૂઆત થઇ ચૂકી છે. ખૂબ જ જલ્દી દિવાળીના દિવસો શરૂ થશે. દિવાળીના ઉત્સાહની વચ્ચે ફટાકડામાંથી નીકળતો ધૂમાડો અસ્થમાના દર્દીઓની મુશ્કેલીઓ વધારી શકે છે. નિષ્ણાતોની વાત માનીએ તો ફટાકડામાં અનેક પ્રકારના હાનિકારક કેમિકલ્સ રહેલા હોય છે. જે સળગ્યા બાદ વાતાવરણને પ્રદૂષિત કરી શકે છે. પ્રદૂષિત વાતાવરણમાં શ્વાસ લેવાનું અસ્થમાના રોગીઓ માટે તકલીફો ઊભી કરી શકે છે. આવો જાણીએ દિવાળીની ખુશીઓના રંગમાં ભંગ ન પડે તે માટે અસ્થમાના દર્દીઓ પોતાના આરોગ્યનું ધ્યાન કેવી રીતે રાખશે?
દિવાળીમાં અસ્થમાના દર્દીઓ રાખે આટલું ધ્યાન
ઇનહેલર સાથે રાખો
દિવાળીના ફટાકડા હવાનું પ્રદૂષણ વધારે છે. આવા સંજોગોમાં અસ્થમા રોગીઓએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઇએ. અસ્થમા એટેકથી બચવા માટે તમે આજથી જ તમારી દવા અને ઇનહેલર ભૂલ્યા વગર સાથે રાખી દેજો.
વ્યાયામ કરો
અસ્થમાથી પીડિત વ્યક્તિઓ માટે બ્રિધિંગ એક્સરસાઈઝ સારી માનવામાં આવે છે. અસ્થમા એટેકના ખતરાને રોકવા માટે રોજ તમે તમારા ફેફસાને મજબૂત બનાવતી બ્રિધિંગ એક્સરસાઈઝ અને યોગનો સહારો લઇ શકો છો. તે અસ્થમાની જટિલતાઓને ઘટાડીને ફેફસાને મજબૂતાઇ આપે છે.
માસ્કનો ઉપયોગ કરો
દિવાળી આસપાસ ઘરની બહાર જતી વખતે તમારે ચહેરા પર માસ્ક જરૂર પહેરવું જોઇએ. માસ્ક પહેરવાથી વાતાવરણમાં રહેલાં રજકણો કે ફટાકડાના ધુમાડા સામે તમે સુરક્ષિત રહી શકશો.
કામ વગર ઘરની બહાર ન નીકળો
દિવાળીના દિવસે અસ્થમાના દર્દીઓ પોતાને પ્રદુષણથી સુરક્ષિત રાખવા માટે ઘરના દરવાજા-બારીઓને બંધ રાખી શકે છે. બહાર જતી વખતે પણ કોશિશ એ કરજો કે માસ્કથી ચહેરાને ઢાંક્યો હોય.
પૌષ્ટિક ખોરાક ખાવ
દિવાળીમાં રોશની અને ફટાકડાની સાથે સાથે સારી સારી મીઠાઇઓ પણ આરોગવામાં આવતી હોય છે, પરંતુ અસ્થમાથી પીડાતા લોકો આર્ટિફિશિયલ સ્વીટનર અને મીઠાઇઓનું સેવન કરવાથી બચે. તંદુરસ્ત રહેવા માટે પૌષ્ટિક ખોરાક ખાવ.
હાઇડ્રેટેડ રહો
અસ્થમાના દર્દીઓ હુંફાળુ પાણી પીને બળતરા ઉત્પન્ન કરતા ઝેરી પદાર્થોને શરીરમાંથી તરત બહાર કાઢી શકે છે. આ ઉપરાંત પર્યાપ્ત પાણી પીવાથી શરીરમાં પાણીની કમી પણ નહીં થાય અને હાઇડ્રેશન પણ રહેશે.
ડેરી પ્રોડક્ટ ન ખાવ
અસ્થમાના દર્દીઓ દુધ અને ડેરી પ્રોડક્ટ્સ ખાવાથી બચો. ડેરી પ્રોડક્ટ્સ ફેફસામાં મ્યુકસનું નિર્માણ વધારીને તમારી મુશ્કેલીઓ વધારી શકે છે.