ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું, ટોળાએ NCP ધારાસભ્યના ઘરે આગ ચાંપી

મુંબઈ, 30 ઑક્ટોબરઃ મહારાષ્ટ્રના બીડમાં આજે મરાઠા આરક્ષણની માગ કરી રહેલા આંદોલનકારીઓએ NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરને આગ ચાંપી દીધી હતી. તેમની ઓફિસ અને વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે જ્યારે વિરોધીઓએ ઘરને આગ લગાડી ત્યારે ધારાસભ્ય તેમના પરિવાર સાથે અંદર હાજર હતા. નોંધનીય છે કે, ઑગસ્ટથી ચાલી રહેલા મરાઠા અનામત આંદોલને ફરી એકવાર હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.

બીડના માજલગાંવમાં NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય પ્રકાશ સોંલકેને દેખાવકારોએ નિશાન બનાવ્યા હતા. તેમના કાર્યાલય પર અનામતની માગ કરી રહેલા ડઝનેક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. સેંકડો દેખાવકારોએ ડઝનેક બાઈક અને કારને પણ આગ લગાવી દીધી હતી. આ ઘટના બાદ NCPના ધારાસભ્યએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે, મરાઠા અનામતની માંગ કરી રહેલા લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો અને આગ ચાંપી દીધી. હુમલો થયો ત્યારે હું મારા પરિવાર સાથે ઘરમાં હતો. જોકે, સદનસીબે મારા પરિવારનો કોઈ સભ્ય કે કર્મચારીને ઈજા પહોંચી નથી. પંરતુ આગના લીધે મારી મિલકતને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.

તાજેતરમાં જ NCPના ધારાસભ્ય પ્રકાશ સોલંકેનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો. જેમાં તેઓ મરાઠા અનામતની માગ કરી રહેલા નેતા મનોજ જરાંગે વિરુદ્ધ બોલી રહ્યા હતા. આ વીડિયો તેમના ઘર અને ઓફિસ પર હુમલાનું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના બાદ એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

ધારાસભ્ય પર હુમલો એ સરકારની નિષ્ફળતા: સુપ્રિયા સુલે

શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુલેએ NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાન પર થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ટ્રિપલ એન્જિન સરકારની નિષ્ફળતા છે. આજે એક ધારાસભ્યનું ઘર બાળી નાખવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે? આ તેમની જવાબદારી છે.

મરાઠા અનામત આંદોલન ખોટી દિશામાં જઈ રહ્યું છે: એકનાથ શિંદે

દરમિયાન સીએમ એકનાથ શિંદેએ આ ઘટનાની ટીકા કરી છે. NCP ના વિધાનસભ્ય પ્રકાશ સોલંકેના બીડના નિવાસસ્થાન પર થયેલા હુમલા અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા અનામતના કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે આ ઘટના પર ધ્યાન આપવું જોઈએ કે વિરોધ કયો વળાંક લઈ રહ્યો છે. આ વિરોધ હવે ખોટી દિશામાં જઈ રહ્યો છે.

આ પણ વાંચો: મરાઠા અનામત આંદોલન બન્યું ઝનૂની, વધુ એક યુવકે કરી આત્મહત્યા

Back to top button