ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને SCનો આદેશઃ ધારાસભ્યો અંગે વહેલીતકે નિર્ણય લો

  • ધારાસભ્યો સામે ગેરલાયકાતની અરજીઓ પર 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય કરો : SC
  • CM એકનાથ શિંદે સહિત તેમને ટેકો આપતા ધારાસભ્યો વિરુદ્ધ થઈ છે ગેરલાયકાતની અરજી

દિલ્હી, 30 ઓક્ટોબર : સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્રની વિધાનસભાના સ્પીકર રાહુલ નારવેકરને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમને ટેકો આપતા ધારાસભ્યો વિરુદ્ધ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પર 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય કરવાનો આદેશ આપ્યો છે. મહિનાની શરૂઆતમાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતની અરજીઓના નિર્ણયમાં વિલંબ કરવા બદલ સ્પીકરને ઠપકો આપ્યો હતો. જે બાદ આજે સુપ્રીમ કોર્ટે આ કેસની પતાવટ કરવા માટેનો સમય આપ્યો છે. ગયા વર્ષે મુખ્યમંત્રી શિંદે અને 39 ધારાસભ્યોએ મુખ્ય પક્ષ(શિવસેના)થી અલગ થઈને સરકાર બનાવવા માટે ભાજપની સાથે જોડાયા હતા. તે બાદ શિવસેનાના જૂથોએ એકબીજા સામે ગેરલાયકાતની અરજીઓ દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટની બેન્ચે આદેશ આપતા શું જણાવ્યું ?

સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું કે, “ અમે 10મા શિડ્યુલ હેઠળ કાર્યવાહી પૂર્ણ કરવા માટે સ્પીકરને વારંવાર સમય આપ્યો છે, હવે મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલય દ્વારા એક એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. તે કહે છે કે “ગેરલાયકાતની અરજીઓના બે જૂથો છે –  શિવસેના અને NCP.” તેમજ એફિડેવિટમાં વધુમાં જણાવ્યું છે કે, “દિવાળી વેકેશન દરમિયાન સચિવાલય બંધ રહેશે અને વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરમાં હશે. અમારું માનવું છે કે આવા પ્રક્રિયાગત ઝઘડાઓ ગેરલાયકાતની અરજીઓના નિર્ણયમાં વિલંબ તરફ દોરી શકે નહીં,”

અગાઉ પણ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને આપ્યો હતો ઠપકો

સુપ્રીમ કોર્ટની બેન્ચે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર નારવેકરને 13 ઓક્ટોબરના રોજ ગેરલાયકાતની અરજીઓના નિર્ણયમાં વિલંબ કરવા બદલ ઠપકો આપતા જણાવ્યું હતું કે, “જો સ્પીકર પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સુધારેલું શેડ્યૂલ સબમિટ કરવામાં નિષ્ફળ જાય તો તે સમયરેખા નક્કી કરશે. અમને આ કોર્ટની ગરિમા જાળવવાની ચિંતા છે. અમારા આદેશોનું પાલન કરવું એ આવશ્યક છે ” ત્યારબાદ 18 ઓક્ટોબરે, સુપ્રીમ કોર્ટે સ્પીકરને ફરીથી શિવસેનાના ધારાસભ્યની ગેરલાયકાતની અરજીઓની સુનાવણી માટે વાસ્તવિક સમયમર્યાદા સબમિટ કરવા જણાવ્યું હતું. ત્યારે કોર્ટે સ્પીકરને ચેતવણી આપી હતી કે, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવો જોઈએ, નહીં તો ચુંટણીની આખી પ્રક્રિયા અર્થહીન બની જશે.” જે બાદ આજે સોમવારે કોર્ટે પોતાનો આદેશ સંભળાવતા 31 ડિસેમ્બર સુધીમાં કેસનો ઉકેલ લાવવાનું કહ્યું હતું.

આ પણ જાણો :સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની કાઢી ભારે ઝાટકણી

Back to top button