ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકમાં 17 અધિકારીઓના ઘરે દરોડાઃ સોના, ચાંદી, રોકડના ભંડાર મળ્યા

બેંગલુરુ, 30 ઑક્ટોબરઃ લોકાયુક્ત અધિકારીઓએ કર્ણાટકમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આવકની સરખામણીમાં અપ્રમાણસર સંપત્તિના આરોપમાં 17 સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ છે. લોકાયુક્ત અધિકારીના જણાવ્યા અનુસાર, દરોડામાં મોટા પ્રમાણમાં રોકડ, સોનું, બેનામી મિલકત, લક્ઝરી વાહનો, સ્ટોક અને મોંઘા ગેજેટ્સ મળી આવ્યાં હતાં. લોકાયુક્ત ટીમે અધિકારક્ષેત્રની પોલીસની મદદથી વહેલી સવારે અધિકારીઓના ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં અધિકારીઓ પાસેથી બિનહિસાબી રકમ અને દાગીના જપ્ત કરાયા છે.

દરોડામાં હેગગનહલ્લી વોર્ડના ઝોનલ ઓફિસર ચંદ્રપ્પા બિરજ્જનવરના ઘરે તપાસ કરાઈ હતી. જેમાં તેમની બેનામી સંપત્તિની જાણકારી પ્રાપ્ત થઈ હતી. જોકે, પોલીસે વધુ પુરાવા મેળવવા તેમના નિવાસસ્થાનની તપાસ કરી રહી છે. બીજી તરફ, કર્ણાટક લોકાયુક્તે મદદનીશ વન સંરક્ષક (ACF) નાગેન્દ્ર નાઈકના ઘરે દરોડા દરમિયાન રોકડ અને મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલી સંપત્તિમાં આશરે 400 ગ્રામ સોનું, ચાંદીના ઘરેણાં અને દોઢ લાખ રૂપિયાની રકમનો સમાવેશ થાય છે.

સમાજ કલ્યાણ વિભાગના સહાયક નિયામક કૃષ્ણમૂર્તિના ઘરે પણ દરોડા પાડ્યા હતા. એટલું જ નહીં, લેબર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીનિવાસના ઠેકાણે લોકાયુક્ત અધિકારીઓએ દરોડા પાડતા 8 લાખની રોકડ રકમ અને 200 ગ્રામ સોનું મળી આવ્યું છે.

લોકાયુકત એસપી એસએસ કુરનૂલે કલબુર્ગીમાં દરોડાની આગેવાની લીધી હતી, જેમાં નોંધાયેલી આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાના આરોપસર અધિકારીઓની તપાસ કરાઈ હતી. લોકાયુક્તની કાર્યવાહી દરમિયાન કલબુર્ગીના માકા લેઆઉટ સ્થિત બિદર ઝોનલ ફોરેસ્ટ ઓફિસર બસવરાજ ડાંગેના ઘર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, થિપન્ના અન્નદાની ઠેકાણે દરોડા દરમિયાન પણ આવક કરતા વધુ પ્રમાણમાં સંપત્તિ મળી આવી છે.

આ દરોડા બેંગલુરુ, મંડ્યા, રાયચુર, બિદર, કલબુર્ગી, ચિત્રદુર્ગ, બલ્લારી, તુમકુરુ, ઉડુપી, હસન, બેલાગવી, દાવંગેરે અને હાવેરી જિલ્લામાં પાડવામાં આવ્યા હતા. લોકાયુક્ત સૂત્રોએ જણાવ્યું કે હાલ અધિકારીઓના વિવિધ ઠેકાણે સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે.

આ પણ વાંચો: EDના દરોડા માટે ભાજપે 5 નેતાઓને અગાઉથી શોધી લેવા જોઈએઃ ગેહલોત

Back to top button