રશિયામાં ઈઝરાયલીઓ પર હુમલો, એરપોર્ટ પર મોબ લિંચિંગનો પ્રયાસ
- તેલ અવીવથી મખાચકલા એરપોર્ટ ફ્લાઈટ આવી રહી હતી
- હજારો મુસ્લિમો એરપોર્ટનો દરવાજો તોડી અંદર આવ્યા
- તોફાનીઓને રોકવા માટે સ્પેશિયલ ફોર્સ બોલાવવી પડી હતી
મોસ્કો, 30 ઑક્ટોબરઃ રશિયાના મખાચકલા એરપોર્ટ પર બેકાબૂ ટોળાએ યહૂદીઓને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને રનવે પર ભીડ દોડતી જોવા મળી હતી. દાગેસ્તાનમાં યહૂદીઓ સાથેની આ ઘટના બાદ ઈઝરાયલે રશિયન રાજદૂતને બોલાવીને યહૂદીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે દુનિયાના ઘણા દેશોમાં હમાસના સમર્થનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, પરંતુ રશિયામાં આવો વિરોધ આ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. રશિયન રાજ્ય દાગેસ્તાનના મખાચકલા એરપોર્ટ પર ટોળાએ ઇઝરાયલીઓ પર હુમલો કર્યો અને મોબ લિંચિંગ કરવાનો પ્રયાસ કર્યો. ઈઝરાયલની રાજધાની તેલ અવીવથી ફ્લાઈટ આવી રહી હોવાની માહિતી દેખાવકારોને મળતા જ લોકોએ રનવે પર ફ્લાઈટને ઘેરી લીધી હતી. હજારો મુસ્લિમો એરપોર્ટનો દરવાજો તોડી અંદર આવ્યા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તોફાનીઓને રોકવા માટે સ્પેશિયલ ફોર્સ બોલાવવી પડી હતી.
બાળકોના હત્યારાઓને અમે છોડીશું નહીં
ભીડ પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને સતત અમે બાળકોના હત્યારાઓને છોડીશું નહીં એવા નારા લગાવી રહી હતી. ફ્લાઈટના પેસેન્જરો વચ્ચે ભીડે યહૂદીઓની શોધ શરૂ કરી દીધી હતી. ભીડ દરેક મુસાફરના પાસપોર્ટ ચેક કરતી રહી. ભારે વિરોધ બાદ એરપોર્ટને પણ થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું. રશિયામાં હમાસની બેઠકના ત્રણ દિવસ બાદ ઈઝરાયેલ વિરુદ્ધ આ સૌથી મોટું પ્રદર્શન હતું. રશિયાના દાગેસ્તાનમાં મુસ્લિમોની મોટી વસ્તી છે.
ઇઝરાયેલે રશિયન રાજદૂતને બોલાવ્યા
આ ઘટના બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન જારી કરીને રશિયાને ચેતવણી આપી છે. નેતન્યાહુએ યહૂદી વિદ્યાર્થીઓ પરના હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી છે. ઈઝરાયેલે રશિયન રાજદૂતને બોલાવીને રશિયામાં ઈઝરાયલી લોકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. રશિયામાં હાજર ઈઝરાયેલના રાજદૂત ક્રેમલિનના સંપર્કમાં છે. મોસ્કોમાં હમાસના પ્રતિનિધિઓની મહેમાનગતી કરવા પર પણ ઈઝરાયેલે નારાજગી વ્યક્ત કરી હતી.
ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો
અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી ઇઝરાયેલથી આવતા વિમાન સાથે રશિયાના એરપોર્ટ પર જે જોવા મળ્યું હતું તે અગાઉ ભાગ્યે જ જોવા મળ્યું હતું. દાગેસ્તાન એરપોર્ટ પર જ્યારે આ ઘટના બની ત્યારે એક હેલિકોપ્ટર પણ એરપોર્ટ પર હાજર હતું. અહેવાલો અનુસાર ભીડ વચ્ચે ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો.
આ પણ વાંચો, લંડનના મેયર દ્વારા ટ્રાફલગર સ્ક્વેર પર દિવાળી ઉત્સવનું આયોજન, લોકોએ ભારતીય ગીતો પર લીધા રાસ