ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારે વરસાદથી મુંબઈ પાણી-પાણી ! NDRFની ટીમો તૈનાત

Text To Speech

ભારે વરસાદ અને પૂરના કારણે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ચોમાસાના વરસાદને કારણે મુંબઈની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મુંબઈ સહિત અનેક સ્થળોએ ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે આફત સર્જાઈ છે.

ભારે વરસાદને કારણે મુંબઈના રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. મુંબઈના દહિસરમાં ભારે વરસાદને કારણે ચેકનાકા પાસેનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જ્યારે નવી મુંબઈથી કલ્યાણ અને નાલાસોપારા સુધીના લોકોને વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, CM એકનાથ શિંદેએ મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવ સાથે બેઠક યોજી હતી અને તમામ સંબંધિત જિલ્લાઓના વાલી સચિવોને પરિસ્થિતિ પર દેખરેખ રાખવા અને નિયંત્રણ કરવા નિર્દેશ આપ્યો હતો.

મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. નવી મુંબઈમાં રેલ્વે સ્ટેશનની બહાર નીકળતા જ લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે. રેલવે સ્ટેશનની બહાર ઘણું પાણી જોવા મળ્યું હતું. કલ્યાણ લોમ્બાવલીમાં વરસાદને કારણે આસપાસના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. નાલાસોપારામાં પણ સ્થિતિ વણસી છે. માર્ગો પર પાણી ભરાવાના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને કોંકણ વિસ્તારમાં NDFR પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે.

ભારે વરસાદ લોકો માટે આફત

મહારાષ્ટ્રના ભિવંડીથી પાલઘર સુધી આકાશી આફતે તબાહી મચાવી દીધી છે. સોમવારે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. બધે પાણી જ પાણી દેખાય છે. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હોય છે કે જાણે તે બધું જ લઈ જવા માટે તલપાપડ હોય. મુંબઈને અડીને આવેલા ભિવંડીમાં આખું બજાર વરસાદના પાણીમાં ગરકાવ જોવા મળ્યું હતું. લોકોનો આક્ષેપ છે કે, મનપા દ્વારા નાળાઓની સફાઈ કરવામાં આવતી નથી. તેના કારણે આવી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. ભોગવતી નદીના પાણીથી નીચાણવાળા વિસ્તારો ડૂબવા લાગ્યા છે.

નદીઓ ખતરાના નિશાનથી ઉપર

મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે કોંકણ ક્ષેત્રના તમામ જિલ્લાઓના જિલ્લા કલેક્ટરોના સંપર્કમાં છે. જેથી આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે જાનમાલનું નુકસાન ન થાય. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે મુંબઈની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલીક નદીઓ ચેતવણીના સ્તરે પહોંચી ગઈ છે. કુંડલિકા નદી ચેતવણીનું સ્તર વટાવી ગઈ છે. અંબા, સાવિત્રી, પાતાળગંગા, ઉલ્હાસ અને ગઢી નદીઓનું જળસ્તર ચેતવણીના સ્તરથી થોડું નીચે છે. આ ઉપરાંત જગબુડી અને કાજલી નદીનું પાણી એલર્ટ લેવલ પર વહી રહ્યું છે. મુખ્યમંત્રીએ ચિપલુણની સ્થિતિ પર નજીકથી નજર રાખવા અને નાગરિકોને વારંવાર ચેતવણી આપવા પણ સૂચના આપી હતી.

ટ્રેન અને બસ સેવા પ્રભાવિત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે રાયગઢ જિલ્લામાંથી 1535 લોકોને બચાવી લેવાયા છે. રાયગઢ જિલ્લામાં NDRFની ટીમો તૈનાત છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનોની અવર-જવર મોટા પ્રમાણમાં ખોરવાઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારો અને રેલવે ટ્રેક પર પૂરના કારણે કેટલાક રૂટ પર ટ્રેન અને બસ સેવાને અસર થઈ છે. ઘણી ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. મધ્ય રેલવે 5-10 મિનિટ મોડી દોડી રહી છે. હાર્બર લાઇન પર પણ ટ્રેનો 5-10 મિનિટ મોડી ચાલી રહી છે.

Back to top button