ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર થયા ICCના નિયમ, ક્રિકેટનો પાયો નાંખનાર દેશ થઈ શકે છે બહાર !

ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આ ટુર્નામેન્ટ 2025માં રમાશે. ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમો ભાગ લેશે. વર્લ્ડકપમાં 10માંથી 4 ટીમ સેમીફાઈનલમાં જશે, પરંતુ હવે લડાઈ ટોપ-4માં નહીં પણ ટોપ-7માં રહેવાની હશે. વાસ્તવમાં વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલની અસર ચેમ્પિયન્સ ટ્રોફી પર જોવા મળશે.

વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલની 7 ટીમ ક્વોલિફાય

વર્લ્ડ કપના લીગ તબક્કાના અંતે પોઈન્ટ ટેબલ પર ટોચના સાતમાં સ્થાન મેળવનારી ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થશે. યજમાન પાકિસ્તાનની સાથે આઠ ટીમો રમશે. ICCના પ્રવક્તાએ ESPNcricinfo ને જણાવ્યું કે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ક્વોલિફિકેશન સિસ્ટમને 2021 માં ICC બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન છેલ્લે 2017માં થયું હતું. ત્યારબાદ પાકિસ્તાને ભારતને હરાવી ખિતાબ કબજે કર્યો હતો.

ટ્રોફીમાંથી ઈંગ્લેન્ડ બહાર થઈ શકે છે

જો વર્લ્ડ કપની ટોચની સાત ટીમોને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની તક મળે છે તો ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ પણ તેનાથી દૂર રહી શકે છે. તેઓ વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10મા સ્થાને છે. આ સાથે જ અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરી શકે છે. તે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. વર્લ્ડ કપમાં ગ્રુપ રાઉન્ડની મેચો પૂરી થયા બાદ કઈ ટીમ ટોપ સાતમાં સ્થાન મેળવે છે અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થાય છે તે જોવાનું રહે છે.

વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ જેવી ટીમો દૂર રહેશે

ICCનો આ નિર્ણય ઘણા ક્રિકેટ બોર્ડ માટે આશ્ચર્યજનક છે. બોર્ડના કેટલાક સભ્યોએ ESPNcricinfoને જણાવ્યું કે તેઓ વર્લ્ડ કપ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીના ક્વોલિફિકેશન નિયમોથી વાકેફ ન હતા. તેનો અર્થ એ પણ છે કે વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ જેવા અન્ય પૂર્ણ સભ્ય દેશોને વર્લ્ડ કપમાં સ્થાન ન મળવાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી ગુમાવવી પડશે.

અગાઉ પસંદગી ICC રેન્કિંગના આધારે કરવામાં આવી હતી

ચેમ્પિયન્સ ટ્રોફીની 2013 અને 2017ની કટ-ઓફ તારીખે ODI રેન્કિંગમાં ટોચની આઠ ટીમો આ ઇવેન્ટ માટે ક્વોલિફાય થઈ હતી. એવું માનવામાં આવે છે કે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે આ વર્લ્ડ કપમાં ટોચની સાત ટીમોને ક્વોલિફાય કરવાના નિર્ણયને મૂળ રીતે ICC ચીફ એક્ઝિક્યુટિવ કમિટીએ મંજૂરી આપી હતી, ત્યારબાદ ICC બોર્ડે ભલામણને બહાલી આપી હતી.

Back to top button