ટોપ ન્યૂઝટ્રાવેલ

IRCTCએ બદલાવ્યા ટિકિટ બુકિંગના નિયમ, હવે 1 એકાઉન્ટમાંથી કરાવી શકાશે 24 ટિકિટ

Text To Speech

જો તમે મોટાભાગે રેલવે દ્વારા મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના સાબિત થઈ શકે છે. ભારતીય રેલવેની પેટાકંપની IRCTCએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, IRCTCની એપ અને વેબસાઈટ દ્વારા, તમારે પહેલા તમારું એકાઉન્ટ વેરિફાઈ કરવું પડશે, ત્યારબાદ ટિકિટ બુકિંગ થશે. સાથે જ હવે એક મહિનામાં એક યુઝર આઈડી પર મહત્તમ ટિકિટ બુક કરવાની મર્યાદા 12થી વધારીને 24 કરવામાં આવી છે. જેઓ ઘણી મુસાફરી કરે છે તેમના માટે આ ખૂબ જ સારું પગલું છે.

વેરિફિકેશન કરાવવું રહેશે ફરજિયાત
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના નવા નિયમો અનુસાર હવે યુઝર્સે ટિકિટ બુક કરાવતા પહેલા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી વેરીફાઈ કરવી જરૂરી બનશે. ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબરના વેરિફિકેશન વિના તમે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશો નહીં.

આ નિયમની કેમ જરૂરિયાત પડી
IRCTC એકાઉન્ટના દેશભરમાં લાખો યુઝર્સ છે, જેમાંથી હજારો લોકોએ કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી નથી. આ નિયમ આવા લોકો માટે જ લાગુ છે. જો તમે પણ લાંબા સમયથી ટિકિટ બુક કરાવી નથી, તો પહેલા વેરિફિકેશન કરવું જરૂરી બની ગયું છે.

આ રીતે કરાવો વેરિફિકેશન
IRCTC એપ અથવા વેબસાઇટ પર જાઓ અને વેરિફિકેશન વિન્ડો પર ક્લિક કરો.

  • અહીં તમે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દાખલ કરો, પછી વેરીફાઈ પર ક્લિક કરો.
  • આ પછી તમારા મોબાઈલ પર OTP આવશે, તેને એન્ટર કરો અને મોબાઈલ નંબર વેરીફાઈ કરો.
  • આવી જ રીતે ઈ-મેઈલ આઈડી પર કોડ નાખ્યા બાદ તમારું મેઈલ આઈડી વેરીફાઈ કરો.
  • હવે તમે તમારા ખાતામાંથી કોઈપણ ટ્રેન માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો.

1 મહિનામાં 24 ટિકિટ કરાવી શકાશે
રેલવેએ IRCTCના એક યુઝર આઈડી પર એક મહિનામાં મહત્તમ ટિકિટ બુક કરવાની મર્યાદા 12 થી વધારીને 24 કરી દીધી છે. જો તમારું આધાર કાર્ડ લિંક યુઝર આઈડી છે, તો હવે તમે એક મહિનામાં 24 ટિકિટ બુક કરી શકો છો. એ જ રીતે, જે ખાતા સાથે આધાર UID લિંક નથી તેમાંથી 6ને બદલે 12 ટિકિટ બુક કરી શકાશે.

Back to top button