દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ 200 કરોડ રૂપિયાની માંગણી કરતો ઈમેલ મોકલ્યો છે. અગાઉ તેણે 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ફરી એક વાર એ જ ઈમેલ એકાઉન્ટમાંથી બીજો મેલ આવ્યો છે. ઈમેલ કરનારે કહ્યું છે કે તેણે હજુ સુધી અમારા ઈમેલનો જવાબ આપ્યો નથી. તેથી હવે 200 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો આમ ન કરવામાં આવે તો ધ્યાન રાખો કે ડેથ વોરંટ પર સહી થઈ ચૂકી છે. તેણે ઈમેલમાં લખ્યું હતું કે, “તમે અમારા ઈમેલનો જવાબ આપ્યો નથી. હવે રકમ 200 કરોડ છે, નહીં તો ડેથ વોરંટ પર હસ્તાક્ષર છે.”
ગઈકાલે 27મી ઓક્ટોબરે પણ ધમકી મળી હતી
ઉલ્લેખનીય છે કે, અગાઉ ધમકી આપનાર વ્યક્તિએ ગઈકાલે 27મી ઓક્ટોબરે એક મેઈલ પણ મોકલ્યો હતો. મુકેશ અંબાણીની કંપનીના ઈમેલ આઈડી પર મોકલવામાં આવેલા ઈમેલમાં લખ્યું હતું કે, ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે’.
ગામદેવી પોલીસે FIR નોંધી હતી
આ ઈમેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદ પર મુંબઈની ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ ધમકીભર્યા ઈ-મેલમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો તે મુકેશ અંબાણીને હુમલો કરી શકે છે કારણ કે તેમની પાસે દેશના શ્રેષ્ઠ શૂટર્સ છે.
ગયા વર્ષે પણ ધમકી મળી હતી
મહત્વનું છે કે, અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ એક વ્યક્તિએ દક્ષિણ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફોન કર્યો હતો. તેણે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફોન કરનારે મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીનું નામ લીધું અને જાન લઈ લેવાની ધમકી આપી. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી.