રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા કેસ મામલે ચાલી રહેલી તપાસમાં રોજબરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. કનૈયાલાલની હત્યા કરનાર બંને આરોપીના પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા બાદ બંનેના કનેક્શનના તાર અમદાવાદ સુધી લંબાયા છે. કનૈયાલાલના હત્યારાઓના મોબાઇલ ફોનમાથી અમદાવાદના સરખેજના યુવકોના નંબર મળી આવ્યા છે. સરખેજના યુવકોના નંબર મળી આવતા સ્થાનિક એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. સરખેજના યુવકોના ઉદયપુર હત્યા કેસ સંડોવણી છે કે નહીં તેની તપાસ શરૂ કરાઈ છે. આ યુવકો કેવી માનસિકતા ધરાવે છે તેની લઇને પણ તપાસ શરૂ કરાઈ છે. નજીકના સમયમા ગુજરાત પોલીસ આ મામલે ખુલાસા કરી શકે છે.
ફોન તથા ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેઈલ રેકોર્ડની તપાસ
NIA સહિત અનેક સુરક્ષા એજન્સીઓ કનૈયાલાલ મર્ડર કેસમાં તપાસ કરી રહી છે. આ મામલામાં અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એજન્સીઓના જણાવ્યા મુજબ પકડાયેલા ચાર આરીપઓમાંથી એક જેઈઆઈ સાથે જોડાયેલો હતો. ત્યારે આ આરોપીઓના ફોન તથા ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેઈલ રેકોર્ડ ચેક કરવામા આવી રહ્યાં છે. કરાંચી સ્થિત દાવત-એ-ઈસ્લામી ધાર્મિક ગ્રૂપ દ્વારા કટ્ટરપંથનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેમાં તેમનું શું કનેક્શન છે.
ઘણા લોકોએ હત્યાનું પ્લાનિંગ કર્યું હતું
રિયાઝ અને ગૌસે વ્હોટ્સએપથી ઘણા યુવાઓને જોડી રાખ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે કનૈયાલાલની હત્યા પછી પોલીસ તેમને પકડી લે તો બીજો સાથી નૂપુર શર્માની પોસ્ટનું સમર્થન કરનારા લોકોની આ રીતે હત્યા કરતા રહે. આ કારણે તેણે કનૈયાલાલની હત્યા પહેલાં પોતાના સાથીઓને ઉશ્કેરવા માટે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં રિયાઝે કહ્યું હતું કે તે પકડાઈ જશે, પરંતુ હત્યાઓ ચાલુ રહેવી જોઈએ.
પાકિસ્તાન કનેક્શન
કનૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલવી રિયાસત હુસૈન અને અબ્દુલ રઝાકે હત્યાના આરોપી મોહમ્મદ ગૌસને દાવત-એ-ઈસ્લામની તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. ગૌસની સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પાકિસ્તાન ગયા હતા. હાલ ત્રણેય NIAની કસ્ટડીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે મૌલાના અને બે વકીલ પણ આ કાવતરામાં સામેલ છે, તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓની એક મીટિંગ થઈ હતી જેમાં રિયાઝ અત્તારીએ ટેલર કનૈયાલાલની હત્યાની જવાબદારી લીધી હતી.
વધુ એક વેપારીની હત્યાનો હતો પ્લાન
ગૌસ અને રિયાઝના ઉદયપુરમાં એક ટાયર કારોબારીની હત્યાનો પ્લાન હતો. કારોબારી નીતિન જૈને જણાવ્યું કે તેણે 7 જૂને નૂપુર શર્માની પોસ્ટ ભૂલથી શેર કરી હતી. માહોલ ખરાબ હોવાને કારણે તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે નીતિનની પણ ધરપકડ કરી હતી.