ગુજરાત

મંત્રી હર્ષ સંઘવીની મધ્યસ્થી, ST કર્મચારીઓનું આંદોલન પૂર્ણ, હડતાલ મોકૂફ

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘે રાજ્ય સરકાર સમક્ષ અનેક માંગણીઓના નિરાકરણ માટે રજૂઆતો કરી હતી. આ રજૂઆતોનો સુખદ અંત આવ્યો છે એટલે કે ગુજરાત સરકાર અને એસટીના કર્મચારીઓ વચ્ચે સમાધાન થઇ ગયુ છે. દિવાળી પહેલા જ હજારો કર્મચારીઓને ભેટ મળી ગઇ છે. આ મામલે કર્મચારીઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ફટાકડા ફોડીને સ્વાગત કર્યું છે. એસટી વિભાગના કર્મચારીઓની મુખ્ય ત્રણ માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. તેમજ પડતર એરિયર્સ, મોંઘવારી ભથ્થા અને એચઆરએ જેવા મુખ્ય ત્રણ પ્રશ્નોનાના નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.

દિવાળી પહેલા પ્રથમ એરિયર્સનો હપ્તો ચુકવાશે

મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારે કર્મચારીઓના પ્રશ્નોનું સમાધાન કર્યું છે. જેમા મુખ્ય ત્રણ પ્રશ્નો મહત્ત્વના છે. સરકાર કર્મીઓને ત્રણ હપ્તામાં એરિયર્સ ચૂકવશે. દિવાળી પહેલા પ્રથમ એરિયર્સનો હપ્તો ચૂકવાશે જે બાદ બીજો હપ્તો ચૂકવાશે. એસટી યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે. આ મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા સરકાર પાસે મંજૂરી માંગવામાં આવશે. આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર-જુનિયર પગારધોરણ સહિતની બાબતો પર ચર્ચા થશે. એસટી કર્મચારીઓને સુધારેલા એચઆરએ નવેમ્બરથી ચૂકવવામાં આવશે.

કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરતા હતા

નોંધનીય છે કે, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘે રાજ્ય સરકાર સમક્ષ પડતર માંગણીઓના નિરાકરણ માટે રજૂઆતો કરી હતી. કર્મચારીઓએ આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. ત્રણ દિવસ આ વિરોધ કાર્યક્રમ બાદ તા. 28થી 4 દિવસ માટે કર્મચારીઓ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવશે તેવી પણ જાહેરાત કરી હતી. એસટીના ફિક્સ પગારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબનો લાભ આપવા, ચડત મોંઘવારી ભથ્થાની 11 ટકાની અસર અને ચડત એરિયર્સની પ્રથમ હપ્તાની રકમ ઓછી હોવાથી, ત્રણ હપ્તાને બદલે એક જ હપ્તે એરિયર્સ ચૂકવી આપવા તથા દિવાળી પહેલા આ રકમ આપવા, રાજ્ય સરકારના ઠરાવ મુજબ એચ.આર.એ.-સીએલએનો લાભ 8, 16 અને 24 ટકાના સુધારેલ દરે ચૂકવી આપવા, વર્ગ 4ના પાર્ટ ટાઈમ કર્મચારીઓને 2022ના વર્ષના બોનસનો લાભ મળેલ નથી, તે ચડત બોનસનો લાભ આપવા સહિતની 19 માંગણીઓ પડતર હતી.

Back to top button