શ્રીલંકાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં બીજી જીત હાંસલ કરી છે. 26 ઓક્ટોબર (ગુરુવારે), બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ ઈંગ્લેન્ડને આઠ વિકેટથી હરાવ્યું છે. મેચ જીતવા માટે ઈંગ્લેન્ડે શ્રીલંકાને માત્ર 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 146 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.
નિસાન્કાએ 83 બોલમાં 77 રન બનાવ્યા
શ્રીલંકાની જીતમાં પથુમ નિસાન્કા અને સાદિરા સમરવિક્રમાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. નિસાન્કાએ 83 બોલમાં 77 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે સમરવિક્રમાએ સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 65 રન બનાવ્યા હતા. સમારવિક્રમા અને નિસાન્કા વચ્ચે ત્રીજી વિકેટ માટે 137 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. આ વર્લ્ડ કપમાં શ્રીલંકાએ 5માંથી 2 મેચ જીતી છે.
ઇંગ્લિશ ટીમની આ ચોથી હાર
શ્રીલંકાની ટીમ હવે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે 5 મેચમાં ઇંગ્લિશ ટીમની આ ચોથી હાર છે. જો ઈંગ્લેન્ડ તેની બાકીની 4 મેચ જીતી જાય તો પણ તેના માત્ર 10 પોઈન્ટ જ રહેશે. આ રીતે, તે હવે સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ હાલમાં નવમા સ્થાને છે.