કતર કોર્ટે 8 ભારતીયોને મૃત્યુ દંડની સજાનો ચુકાદો આપ્યો, સજા અટકાવવા ભારત સરકાર સક્રિય
દોહાઃ કતરની કોર્ટે અલ દહરા કંપનીના આઠ ભારતીય કર્મચારીઓના કેસમાં મૃત્યુ દંડનો ચુકાદો આપ્યો છે. આ આઠેય ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓ હતા. જાસૂસી કરવાના અઘોષિત આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ચુકાદાના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) ગુરુવારે એક નિવેદન જારી કરીને તેની ઊંડી ચિંતા વ્યક્ત કરી. મંત્રાલયે જાહેર કર્યું કે તેમની પાસે ચુકાદા સંબંધિત પ્રારંભિક માહિતી છે અને તેઓ કતરના સત્તાવાળાઓ તરફથી વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. MEA તેમના પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છે તેમજ અન્ય કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે.
Verdict in the case of 8 Indians detained in Qatar: We are deeply shocked by the verdict of death penalty and are awaiting the detailed judgement. We are in touch with the family members and the legal team, and we are exploring all legal options. We attach high importance to this… pic.twitter.com/l6yAg1GoJe
— ANI (@ANI) October 26, 2023
પ્રેસ રિલીઝ કરતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત સરકાર આ મામલાની નજીકથી દેખરેખ રાખી રહી છે. MEA એ દોષિત વ્યક્તિઓને તમામ જરૂરી કાનૂની સહાય પૂરી પાડવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વધુમાં જણાવ્યું કે, ભારતીય સત્તાવાળાઓ પરિસ્થિતિને પહોંચી વળવા કતર સરકાર સાથે વાતચીત કરશે. જેથી ભારતીયો પર લાગેલ આરોપોને અયોગ્ય સાબિત કરી શકીએ. અગાઉ પણ વિદેશ મંત્રાલય દ્વારા આઠેય ભારતીયોને પરત લાવવા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા હતા.
ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ
આ તમામ અધિકારીઓ ભારતીય નૌકાદળમાં અલગ-અલગ પોસ્ટ પર કામ કરી ચૂક્યા છે. તેમના પર ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. આ 8 લોકોમાં પ્રતિષ્ઠિત અધિકારીઓ પણ સામેલ છે. હાલમાં તમામ દહરા ગ્લોબલ ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સર્વિસ માટે કામ કરી રહ્યા હતા. આ એક ખાનગી કંપની છે, જે કતરના સશસ્ત્ર દળોને તાલીમ અને સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.
કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ આ આઠેય કર્મચારીઓ કતરમાં કામ કરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર આ 8 ભારતીયોની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. કતરના અધિકારીઓએ તેઓની કસ્ટડી વધારી દીધી હતી. જોકે, 26 ઑક્ટોબરે કતરની કોર્ટે 8 ભારતીયોને ફાંસીની સજા સંભળાવી છે.
આ પણ વાંચો: FIFA WC: કતારમાં ત્રણ દિવસમાં બે પત્રકારોની થઈ હત્યા, જાણો શું છે સમગ્ર મામલો