ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનઃ ગેહલોતના પુત્રને સમન્સ, રાજ્યના કૉંગ્રેસ પ્રમુખને ત્યાં દરોડા

  • રાજસ્થાનમાં ચૂંટણીના માહોલ વચ્ચે EDની મોટી કાર્યવાહી
  • CMના પુત્ર વૈભવ ગેહલોતને મની લોન્ડરિંગ મામલે EDનું તેડું
  • કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહના ઠેકાણે પેપર લીક કેસમાં દરોડા

રાજસ્થાન: મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્રને EMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999)ના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સમન્સ પાઠવ્યા છે. બીજી તરફ, રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને કૉંગ્રેસ નેતા ગોવિંદ સિંહ ડોટાસરા સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સિવાય કૉંગ્રેસના ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાના ઠેકાણે પણ દરોડા પડવાની માહિતી મળી રહી છે.  રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે EDએ મોટી કાર્યવાહી કરી છે. EDએ જયપુર, દૌસા અને સીકરમાં પણ દરોડા પાડ્યા છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, આ દરોડો રાજસ્થાન પરીક્ષા પેપર લીક કેસમાં મની લોન્ડરિંગ તપાસના મામલે છે.

રાજસ્થાન CMના પુત્ર વૈભવ ગેહલોત પણ EDના સંકજામાં

થોડા મહિના પહેલા જ EDએ મની લોન્ડરિંગ કેસમાં મુંબઈ સ્થિત ટ્રાઈટન હોટેલ્સ નામની ફર્મ સામે દરોડા પાડ્યા હતા. તે દિવસે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (FEMA) હેઠળ જયપુર, ઉદયપુર, મુંબઈ અને દિલ્હીમાં વિવિધ સ્થળોએ 29 થી 31 ઓગસ્ટ સુધી સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું. રિસોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર રતનકાંત શર્મા છે, જેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતના બિઝનેસ પાર્ટનર પણ છે. જેને લઈ પૂછપરછ કરવા માટે EDએ સમન્સ પાઠવ્યા છે.

પેપર લીક કેસ મામલે કૉંગ્રેસ પ્રમુખ પર મોટી કાર્યવાહી

ગોવિંદ સિંહ ડોટાસરાના જયપુર અને સીકરના ઠેકાણે ED  પહોંચી ચૂકી છે. મહત્વનું છે કે, રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સીકર જિલ્લાની લક્ષ્મણગઢ વિધાનસભા બેઠક પરથી ડોટાસરા કૉંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. બીજી તરફ, રાજ્યમાં 7 સ્થળો પર કાર્યવાહીની પણ માહિતી છે. મળતી માહિતી મુજબ EDની ટીમ ગોવિંદ સિંહ ડોટાસરા અને તેના સંબંધીઓના ઘરે પણ પહોંચી ગઈ છે. પહેલી વાર એવું બન્યું છે કે,  RPSC પેપર લીક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  PCC ચીફના ઘરે દરોડા પાડ્યા હોય.

અગાઉ પેપર લીક કેસમાં EDએ કરી હતી ધરપકડ

અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાજસ્થાનમાં પેપર લીક કેસમાં ભૂપેન્દ્ર સરનની મની લોન્ડરિંગના આરોપસર ધરપકડ કરી હતી. રાજસ્થાન પોલીસની FIRના આધારે ઈડીએ ભૂપેન્દ્ર સરન અને અન્યો સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. EDની તપાસમાં બહાર આવ્યું છે કે ભૂપેન્દ્ર સરને અન્ય આરોપીઓ સાથે મળીને વરિષ્ઠ શિક્ષક ગ્રેડ II સ્પર્ધાત્મક પરીક્ષા-2022નું જનરલ નોલેજ પેપર લીક કર્યું હતું.

આ પણ વાંચો:  નકલી ED અધિકારી બનીને ₹3.2 કરોડની લૂંટ, એકની ધરપકડ

Back to top button