મહુઆ મોઇત્રા લાંચ કેસમાં લોકસભાની એથિક્સ કમિટિ આજે સુનાવણી કરશે
લોકસભાની એથિક્સ કમિટી આજે એટલે કે 26 ઑક્ટોબરે TMC સાંસદ મહુઆ મોઇત્રા સામે પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાના આરોપમાં સુનાવણી હાથ ધરશે. સમિતિએ ભાજપના સાંસદ નિશિકાંત દુબેને પણ સમિતિ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. દુબેએ TMC સાંસદ પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો હતો. લોકસભાના ડેપ્યુટી સેક્રેટરી બાલા ગુરુએ 18 ઑક્ટોબરે દુબેને નોટિસ જારી કરીને આ જાણકારી આપી હતી. નિશિકાંતને 20 ઓક્ટોબર સુધીમાં જવાબ આપવા કહેવામાં આવ્યું હતું કે તે સુનાવણીમાં હાજર રહેશે કે નહીં. આ સુનાવણી સંસદના કમિટિ રૂમમાં થશે.
ઝારખંડના ગોડ્ડાથી સાંસદ નિશિકાંત દુબેએ 15 ઑક્ટોબરે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે 17 ઑક્ટોબરે શશિકાંત દુબેની ફરિયાદ એથિક્સ કમિટીને મોકલી હતી. લોકસભા સ્પીકરને પત્ર લખતી વખતે નિશિકાંતે મહુઆ મોઇત્રા પર આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ ગૃહમાં પ્રશ્નો પૂછવા માટે મુંબઈના બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી ભેટ અને રોકડ લીધી હતી.
નિશિકાંતે સ્પીકર પાસે માંગ કરી હતી કે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવે અને મહુઆ મોઇત્રાને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. પત્રમાં તેમણે વિશેષાધિકારોના ગંભીર ઉલ્લંઘન, ગૃહનું અપમાન અને IPCની કલમ 120A હેઠળ ફોજદારી કેસ નોંધવા વિશે પણ લખ્યું હતું.
મહુઆ 17 ઑક્ટોબરે હાઈકોર્ટ પહોંચ્યાં હતાં
નિશિકાંત દુબેના આ આરોપોને લઈને મહુઆએ 17 ઑક્ટોબરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. મહુઆએ વકીલ નિશિકાંત દુબે વિરુદ્ધ કાર્યવાહી કરવાની અને ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે.
આ પણ વાંચો: મહુઆ મોઇત્રા લાંચ કેસમાં પુરાવા રજૂ કરવા નિશિકાંત દુબેને લોકસભા સમિતિનું તેડું