રાજસ્થાનઃ ટ્રેક્ટર નીચે કચડી નાખવાના કેસમાં નવો વળાંક, હત્યા પાછળ આ હતું કારણ
- હત્યારો મૃતકનો સગો ભાઈ હતો
- રસ્તાને લઈને વિવાદ થયો હતો
- વિરોધીઓને ખોટા કેસમાં ફસાવવા સગા ભાઈની હત્યા કરી
રાજસ્થાનના ભરતપુરમાં ટ્રેક્ટરથી કચડી નાંખીને ઘાતકી હત્યા કરવાના મામલામાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં ખૂની મૃતકનો ભાઈ હોવાનું બહાર આવ્યું હતું. ટ્રેક્ટર દ્વારા તેમને કચડી નાખવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ બધુ મૃતકના ભાઈએ સામે પક્ષને ખોટા કેસમાં ફસાવવા માટે કર્યું હતું.
રાજસ્થાનના ભરતપુરમાં એક વ્યક્તિનું ટ્રેક્ટરથી કચડીને હત્યા કરવામાં આવી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલો સામે આવ્યા બાદ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. ટ્રેક્ટર હત્યાકાંડને લઈને ભાજપે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. પરંતુ પોલીસ તપાસ દરમિયાન આ હત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતકના ભાઈએ તેને ટ્રેક્ટર વડે કચડીને હત્યા કરી છે.
વિરોધીઓને ખોટા કેસમાં ફસાવવાની યોજના હતી
બાયણા પોલીસ સ્ટેશન વિસ્તારના અડ્ડા ગામમાં જમીનને લઈને ગામના બે પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્રણ દિવસ પહેલા પણ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. ગઈકાલે ફરી એકવાર બંને પક્ષો સામસામે આવી ગયા હતા. બહાદુર અને અતરસિંહ ગુર્જરના બાળકો વચ્ચે ગઈકાલે ફરી ઝઘડો થયો હતો. જ્યાં બહાદુર ગુર્જર પક્ષના લોકો મારામારી બાદ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. પરંતુ થોડા જ સમયમાં અતર સિંહના પુત્ર દામોદર ગુર્જરે પોતાના વિરોધીઓને ખોટા કેસમાં ફસાવવા માટે તેના જ ભાઈ 30 વર્ષીય નરપત સિંહ ગુર્જરને ટ્રેક્ટરથી કચડીને મારી નાખ્યો.
મૃતકનો સગો ભાઈ જ ખૂની હોવાનું બહાર આવ્યું છે
દામોદર ગુર્જર જ્યારે તેના ભાઈ નરપત ગુર્જરને ટ્રેક્ટરથી કચડીને મારી રહ્યો હતો ત્યારે ગામના કેટલાક લોકોએ તેમના મોબાઈલમાંથી વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો, જે બાદમાં પોલીસના હાથમાં આવ્યો હતો. આ પછી પોલીસે હત્યા કેસની તપાસ શરૂ કરી અને ટ્રેક્ટર ચાલકની ઓળખ કરી. જ્યારે ગ્રામજનોને પૂછવામાં આવ્યું તો સામે આવ્યું કે મૃતકનો ભાઈ પોતે જ હત્યારો છે. વાયરલ વીડિયોના આધારે સત્ય બહાર આવ્યું અને હત્યારો મૃતકનો સગો ભાઈ હોવાનું બહાર આવ્યું. પોલીસે કાર્યવાહી કરીને બંને પક્ષના 6 લોકોની ધરપકડ કરી હતી. પરંતુ મુખ્ય આરોપી હજુ ફરાર છે.
રસ્તાને લઈને થયો હતો વિવાદ, 6 લોકોની અટકાયત
આ બાબતે અધિક જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ કિલવાણીયાએ જણાવ્યું કે બુધવારે વહેલી સવારે પોલીસને માહિતી મળી હતી કે અડ્ડા ગામમાં ગુર્જર સમુદાયના બે પરિવારો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. માહિતી મળ્યા પછી તમામ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને જાણવા મળ્યું કે રસ્તાના વિવાદને લઈને બે પક્ષો વચ્ચે લડાઈ થઈ હતી. આ તકરારમાં નરપતસિંહ ગુર્જરનું ટ્રેક્ટરથી કચડાઈ જતાં મોત થયું હતું. આ લડાઈમાં આઠ લોકો ઘાયલ થયા છે જેમાંથી ચારને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. બંને પક્ષના છ લોકોની અટકાયત કરવામાં આવી છે. ટ્રેક્ટર ચાલક દામોદર ગુર્જર છે જે મૃતક નરપત સિંહનો સગો ભાઈ છે. હાલ તો બંને પક્ષો વચ્ચે રસ્તાને લઈને વિવાદ થયો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો, ગેરકાયદે બાંધકામ વિરોધી ડ્રાઇવ દરમિયાન કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારી પર હિંસક હુમલો