વાઇબ્રન્ટ પોરબંદર સમિટમાં ઔદ્યોગિક ક્ષેત્રે રૂ. 449 કરોડના 456 MoU થયા
પોરબંદરઃ આગામી વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ અંતર્ગત રાજ્યના અલગ અલગ શહેરોમાં યોજાઈ રહેલી પ્રી-વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે પોરબંદરમાં પણ આવી સમિટનું આયોજન થયું હતું.
પોરબંદર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને આશરે 449 કરોડ રૂપિયાના MOU પર હસ્તાક્ષર કરાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર-જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટમાં ફિશરીઝ,પ્રવાસન,પોર્ટ,મિનરલ, એગ્રી, કેમિકલ, એન્જિનિયરીંગ સેક્ટરના 546 MoU થયા હતા. જેનાથી વધુને વધુ યુવાનોને રોજગારી મળશે. આ ઉપરાંત ઔદ્યોગિક વિકાસના વિઝન સાથે માળખાગત સુવિધાઓને પણ વેગ મળશે. કાર્યક્રમ દરમિયાન કુંવરજી બાવળીયાએ જિલ્લા સમિટની સફળતાને લઈ ક્લેક્ટર અને જિલ્લા વહીવટીતંત્રનો પણ આભાર માન્યો હતો.
આ વ્રાબઇન્ટ સમિટમાં પ્રભારી મંત્રીએ ઉદ્યોગસાહસિકોને પોરબંદર જિલ્લામાં વિકાસની જે તકો રહેલી છે તે જણાવી ફિશરીઝ એગ્રિકલ્ચર અને ટૂરિઝમ ક્ષેત્રે વિકાસ માટે દરેક નાગરિકને યોગદાન આપવા કહ્યું હતું. ત્યારબાદ રાજ્યસભાના સાંસદ રામા મોકરિયાએ વર્ષ 2047 સુધી દેશ વિકસિત થાય ને વધુને વધુ ઉદ્યોગો જિલ્લામાં આવે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત, તેમણે વેપાર શરૂ કરવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.
આ અવસરે જિલ્લા ક્લેક્ટર કે.ડી. લાખાણીએ પણ વાઇબ્રન્ટના માધ્યમથી ઉદ્યોગ સાહસિકો મૂડી રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા. કહ્યું કે પોરબંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીની કોઈ ખોટ નથી. વિકાસની પૂરતી તકો પોરબંદર પાસે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે અનેક યોજનાઓ કાર્યરત છે. પોરબંદરમાં પ્રવાસન વિકાસ માટે રોડ મેપ તૈયાર છે અને રાજ્ય ને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોરબંદર જિલ્લાનું ટુરીઝમ સેક્ટરને વધુ મજબૂત કરવું છે
આ કાર્યક્રમમાં એક કરોડથી માંડીને વિવિધ મોટી રકમની ઔદ્યોગિક સાહસિકોની લોન અને સહાય તેમજ માનવ કલ્યાણ યોજનાના 28 લાભાર્થીઓને કીટનું વિતરણ કરાયું હતું. આ તકે પોરબંદર જિલ્લામાં રોકાણ કરનાર ઉદ્યોગ સાહસિકોએ પોતાના વિચારો રજૂ કરી પોતાના ઉદ્યોગની રૂપરેખા આપવાની સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત–વાઇબ્રન્ટ પોરબંદર કાર્યક્રમ દ્વારા જિલ્લામાં વિકાસ અને રોજગારીની વિવિધ નવી તકો ઉભી થશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમ બાદ કુંવરજી બાવળીયાએ ઔદ્યોગિક સાહસિકો, સ્વ સહાય જૂથ સહિત નવા વિઝન સાથે સ્ટાર્ટ અપ ઉદ્યમીઓના સ્ટોલ, હસ્તકલા અને વિવિધ યોજનાની માહિતી સહિત એક્ઝિબિશનનું ઉદ્ધાટન કર્યું હતું.
આ પણ વાંચો: વાઇબ્રન્ટ સમિટ: ૨૫,૦૦૦ કરોડનાં મૂડીરોકાણના MoU થયાની મુખ્યમંત્રીની જાહેરાત