2030 સુધીમાં જાપાનને પછાડીને ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
- S&P ગ્લોબલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગના રિપોર્ટમાં દાવો
- ભારતની GDP 6.2% થી 6.3% વધવાની ધારણા
- વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત અત્યારે પાંચમાં સ્થાને
ભારત વર્ષ 2030 સુધી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. તેવો દાવો S&P ગ્લોબલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગે તેના રિપોર્ટમાં કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2021 પછી 2022માં સતત બે વર્ષ સુધી દેશની અર્થવ્યવસ્થામાં વેગ જોવા મળી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2023માં પણ ભારત મજબૂત વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. અત્યારે દેશ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, પરંતુ 2030 સુધીમાં તે જાપાનને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
સ્થાનિક માંગમાં ઉછાળાને કારણે લક્ષ્યાંક પ્રાપ્ત થશે
S&P ગ્લોબલ અનુસાર, ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 6.2% થી 6.3% વધવાની ધારણા છે. એટલે કે, આ સંદર્ભે ભારતીય અર્થવ્યવસ્થા માર્ચ 2024માં સમાપ્ત થતા નાણાકીય વર્ષમાં પણ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા રહેશે. એટલું જ નહી, સાત વર્ષમાં એટલે કે 2030 સુધીમાં જાપાનની GDPને પછાડીને ભારતની GDP 7300 અબજ ડૉલરે આંબી જશે. ટૂંકમાં અર્થવ્યવયસ્થામાં સતત વૃદ્ધિ થવાથી સૌથી મોટો ફાળો સ્થાનિક માંગમાં વધારાનો હશે.
હાલમાં GDPની દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ત્યારબાદ ચીન અને જાપાનનું સ્થાન આવે છે. આ ઉપરાંત, ભારતીય અર્થતંત્રનું કદ બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો કરતાં મોટું છે. S&P ગ્લોબલ રિપોર્ટનો ખ્યાલ એ પણ દર્શાવે છે કે, વિશ્વના મોટા દેશો માટે જીડીપી વૃદ્ધિના અંદાજમાં ઘટાડો થઈ શકે છે. બીજી તરફ, ભારત પર તમામનો વિશ્વાસ કાયમ છે. નોંધનીય છે કે, અમેરિકાની GDP હાલમાં 25,500 અબજ ડૉલર છે, જ્યારે બીજા સ્થાને ચીનની GDP 18000 અબજ ડૉલર છે અને જાપાનની GDPનું કદ 4200 અબજ ડૉલર છે.
ઉલ્લેખનીય છે કે 2014થી 2023ના સમયગાળામાં ભારતીય અર્થવ્યવસ્થાએ ઘણી નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. 2014માં તે 10મા સ્થાને હતું અને આજે તે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. કોરોનાના સમયગાળા દરમિયાન, જ્યારે વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓ પડી ભાંગી હતી, ત્યારે ભારતીય અર્થતંત્ર આ પ્રકોપમાંથી બહાર આવ્યું અને જોરદાર ગતિ પકડી છે.
આ પણ વાંચો: 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : SBI રિસર્ચનો દાવો