ડીસાના લાલચાલીમાં 50 ધાબાની અગાસીઓ પર બનેલા નવ ધામના હજારો લોકોએ દર્શન કર્યા
ડીસા : નવલી નવરાત્રીમાં ડીસા શહેરની લાલ ચાલી વિસ્તારમાં અંબાજી ગબ્બરની પ્રતિકૃતિ સમાન નવધામ દર્શનનું આયોજન કરાયું છે. જેમાં 9 દિવસ દરમ્યાન લાલચાલી વિસ્તારના 50થી વધુ મકાનો અને શોપિંગ સેન્ટરોના ધાબાની અગાસીઓ ફરીને હજારો લોકોએ નવ ધામના અવલોકિક દર્શન કર્યા હતા.
ડીસાના લાલચાલી વિસ્તારમાં છેલ્લા 76 વર્ષથી નવરાત્રી મહોત્સવનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 36 વર્ષ અગાઉ આ વિસ્તારના રહીશોએ નવરાત્રીમાં ગબ્બર દર્શનના મહત્વને સાકાર કરી વિસ્તારના મકાનોના ધાબાની અગાસીઓ ફરતે ગબ્બર બનાવ્યો હતો. ત્યાર બાદ છેલ્લા 36 વર્ષથી લાલ ચાલી વિસ્તારના લોકો આ પ્રકારનું આયોજન કરે છે.ચાલુ વર્ષે પણ આ વિસ્તારના 50થી વધુ મકાનો અને શોપિંગ સેન્ટરોના ધાબાઓ ફરતે ગબ્બર પરિક્રમા બનાવવામાં આવ્યું હતું. જેમાં પાંચ માળના શોપિંગ સેન્ટરના અગાસી પર સૌથી ઊંચું મા અંબાનું શિખર મંદિર બનાવ્યું હતું.
નવરાત્રિના 9 દિવસ દરમ્યાન હજારોની સંખ્યામાં ડીસા અને આજુબાજુ વિસ્તારના લોકો આ અનોખા પ્રકારના ગબ્બરની પરિક્રમા કરવા ઉત્સાહભેર દર્શન કર્યા હતા. અનોખા અનુભવ સાથે ચઢ ઉતાર કરતા પરિક્રમા કરવામાં લગભગ અડધો કલાકનો સમય લાગે છે ત્યારે નવ ધામ મંદિરના દર્શન થાય છે. નવરાત્રીમાં અદભુત આયોજનથી લાલ ચાલી વિસ્તારે સમગ્ર શહેરમાં અનોખું આકર્ષણ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મોડાસામાં દશેરાની ઉજવણીઃ 15 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો