અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

તમામ રજવાડાંના વંશજોનું સન્માન કરવા ગુજરાતમાં ચાલી રહી છે તૈયારી!

  • અમદાવાદમાં સરદાર પટેલની 149મી જન્મજયંતી પર ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન
  • આઝાદી પછી પહેલી વાર ગુજરાતમાં 562 રજવાડાંના વંશજોનું સન્માન કરાશે 
  • આ રજવાડાંઓ સરદાર પટેલની વાત માનીને દેશના વિલીનીકરણ માટે થયાં હતાં રાજી

અમદાવાદમાં 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી પર ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઝાદી પછી પહેલી વાર ગુજરાતમાં 562 રજવાડાંના વંશજોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ એ રજવાડાં જેઓ સરદાર પટેલની વાત માનીને દેશના વિલીનીકરણ માટે રાજી થયાં હતાં. જેમાં રાજસ્થાનના ઉદયપુરના મહારાણા પ્રતાપના વંશજ ડૉ. લક્ષ્યરાજસિંહજી મેવાડ, ગુજરાતના ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીના વંશજ વિજયરાજસિંહજી તેમજ મહારાષ્ટ્રના કોલાપુરના છત્રપતિ શિવાજીના વંશજ યુવરાજ શ્રીમંત સંભાજી રાજેનો સમાવેશ થાય છે.

562 રજવાડાંઓમાં 222 રજવાડાંઓ તો માત્ર સૌરાષ્ટ્ર-કાઠિયાવાડનાં જ !

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડાંના વિલીનીકરણ માટે જાણીતા છે. આ 562 રજવાડામાં માત્ર સૌરાષ્ટ્ર-કાઠિયાવાડનાં જ 222 રજવાડાંઓ સામેલ હતાં. વર્તમાન સ્થિતિએ છે, રાષ્ટ્ર વિરોધી પરિબળો સક્રિય થયા છે. આવી સ્થિતિમાં આધ્યાત્મિક ચેતના થકી રાષ્ટ્ર ચેતના લાવવાના ઉદ્દેશ સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ કરવામાં આવી છે. 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી છે. આ નિમિત્તે આઝાદી બાદ પહેલી વખત ગુજરાતમાં 562 રજવાડાંના વંશજોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવા માટે અતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ માટે અત્યાર સુધી મહારાણા પ્રતાપ, શિવાજી અને કૃષ્ણકુમારસિંહજીના વંશજ સહિતના 51 રાજવી પરિવારે કાર્યક્રમમાં આવવા કન્ફર્મેશન આપ્યું છે.

રાજવી પરિવારના વંશજોનું સન્માન કરવા અમદાવાદ ગોતા બ્રિજ પાસે સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન સ્થળ નિશ્ચિત કરવામાં આવ્યું  છે. જેમાં 31 ઓક્ટોબરે આ કાર્યક્રમમાં રાજ્યના ખૂણેખૂણેથી એક લાખથી વધુ યુવાનો એકત્ર થવાનો અંદાજ છે. અમદાવાદથી શરૂ થનાર આ અભિયાન દરેક શહેરમાં ફરી વળશે.

“આઝાદી બાદ પહેલી વખત રાજવી વંશજો એક મંચ પર આવશે. સરદાર પટેલે માત્ર 73 દિવસમાં 562 રજવાડાંને ભેગા કરી દેશના ટૂકડા થતા અટકાવ્યા હતા. આ રજવાડાંઓએ દેશ ખાતર આપેલા બલિદાનની યુવા પેઢીને યાદ કરાવવા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આઝાદી બાદ પહેલી વખત રાજવી વંજશો એક મંચ પર આવશે.”સ્થાનિક અખબારમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આર.પી. પટેલને આમ કહેતા ટંકવામાં આવ્યા છે.

આ પણ જુઓ :લોથલમાં બનશે દુનિયાનું સૌથી ઊંચું 77 મીટરનું લાઈટહાઉસ, અમદાવાદથી પણ દેખાશે

Back to top button