બોટાદમાં ટીબીના દર્દીઓને પોષણ સહાય કિટનું વિતરણ
- બોટાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા પોષણ સહાય કિટ્સ વિતરણ
- અંદાજે ૫૦ જેટલાં ટીબીના દર્દીઓને પોષણ સહાય કિટ્સનું કરવામાં આવ્યું વિતરણ
- ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી સહિતના રહ્યાં ઉપસ્થિત
અહેવાલ અને ફોટાઃ ઉમેશ ગોરાહવા, બોટાદ
બોટાદ : પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન (IMA) શાખાના સહયોગથી અંદાજે ૫૦ જેટલાં ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ.કે.સિંઘ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. અરૂણ કુમાર સિંહ, ઇન્ડીયન મેડીકલ એસોસીએશન (IMA) બોટાદના પ્રમુખ ડો. તુષાર રોજેસરા ઉપસ્થિત રહ્યા હતા.
ડોકટરોએ ક્ષયના દર્દીઓને કર્યો અનુરોધ
આ પ્રસંગે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન (IMA) બોટાદના પ્રમુખ ડો તુષાર રોજેસરા અને ડૉ. કે.એમ.ગાબુએ ટીબીના દર્દીઓએ કંઇ કંઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેમજ પોષણયુક્ત ખોરાકની સાથે-સાથે છ માસ સુધી ટીબીની દવા સમયસર ગળે તો ટીબી રોગથી સંપૂર્ણ મુક્ત થઈ સાજો થઇ શકે છે. ટીબીના ચિન્હો, જેવા કે બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ખાંસી આવતી હોય, સાંજના સમયે ઝીણો તાવ આવતો હોય, વજન ઘટતું જતું હોઈ, ભૂખ ન લાગતી હોય વગેરે જેવા ચિન્હો જોવા મળે તો તેવા લોકોને નજીકની સરકારી હોસ્પિટલ અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર, સોનાવાલા હોસ્પિટલનો સંપર્ક કરવાની સાથોસાથ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત “આપણો જિલ્લો ટીબી મુક્ત જિલ્લો’’ બને તેવું સપનું સાકાર કરવાં બોટાદવાસીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બોટાદ ઇન્ડીયન મેડીકલ એસોસીએશન (IMA) ના પ્રમુખ, હોદ્દેદારો તથા જિલ્લા ક્ષય કેન્દ્ર બોટાદના કર્મીઓએ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ જાણો :ગુજરાતનો સૌપ્રથમ અને સીમાચિહનરૂપ ચુકાદો, હિટ એન્ડ રન કેસમાં યુવતીને 2 વર્ષની સજા