ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

માત્ર પાકિસ્તાનની પ્રગતિ ઉપર ધ્યાન આપવું છે: પરત ફર્યા પછી નવાઝ શરીફનું નિવેદન

  • પાકિસ્તાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ચાર વર્ષ બાદ લંડનથી પરત ફર્યા વતન
  • લાહોરના મિનાર-એ-પાકિસ્તાન ખાતે વિશાળ રેલી સાથે રાજકીય સફરને ફરી શરૂ કરી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ 4 વર્ષ બાદ શનિવારે લંડનથી પોતાના વતન પરત ફર્યા હતા. નવાઝ શરીફે સામાન્ય ચૂંટણીઓ પહેલા તેમની રાજકીય સફરને લાહોરના મિનાર-એ-પાકિસ્તાન ખાતે વિશાળ રેલી સાથે ફરી શરૂ કરી હતી. આ રેલીમાં શરીફે જણાવ્યું હતું કે, મારે બદલો લેવાની કોઈ ઈચ્છા નથી અને માત્ર જનતાની સુખાકારી ઈચ્છું છું. મારે માત્ર પાકિસ્તાનની પ્રગતિ ઉપર ધ્યાન આપવું છે”. ચૂંટણીના રાજકારણમાંથી ગેરલાયક ઠર્યા હોવા છતાં શરીફની વાપસીને લશ્કરી સંસ્થાન સાથેના સોદાના ભાગરૂપે જોવામાં આવી રહી છે. તેમનો સૌથી મોટો પડકાર તેમના કટ્ટર હરીફ ઈમરાન ખાનનો ટેકો પાછો મેળવવાનો હશે, જે જેલમાં હોવા છતાં લોકપ્રિય છે.

નવાઝ શરીફે લાહોરમાં રેલી યોજી વિશાળ ભીડ કર્યું સંબોધન 

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વડા નવાઝ શરીફ ચાર્ટર્ડ પ્લેનમાં 150થી વધુ લોકોના ટોળા સાથે શનિવારે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. ઇસ્લામાબાદ એરપોર્ટ પર કાનૂની ઔપચારિકતા પૂરી કરીને તે લાહોર જવા રવાના થયાં હતા. લાહોરમાં સમર્થકોની વિશાળ ભીડને સંબોધતા નવાઝ શરીફે કહ્યું કે, “મારે બદલો લેવાની કોઈ ઈચ્છા નથી, માત્ર જનતાની સુખાકારી ઈચ્છું છું. મારે માત્ર પાકિસ્તાનની પ્રગતિ ઉપર ધ્યાન આપવું છે. મે ક્યારેય મારા સમર્થકો સાથે દગો કર્યો નથી કે કોઈ પણ પ્રકારના બલિદાનથી દૂર નથી.” તેમણે યાદ કર્યું કે, “કેવી રીતે તેમની અને તેમની પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ખોટા કેસ બનાવવામાં આવ્યા હતા. પરંતુ કોઈએ પીએમએલ-એન ધ્વજ છોડ્યો નથી,” તેમણે તેમના અનુયાયીઓને કહ્યું કે, “મને કહો, નવાઝ શરીફને તેમના દેશથી અલગ કરનારા કોણ છે? પાકિસ્તાનનું નિર્માણ કરનારા અમે છીએ. અમે પાકિસ્તાનને અણુશક્તિ બનાવ્યું. અમે લોડ શેડિંગનો અંત લાવ્યા છીએ. શું આ માટે તમે મને કાઢી મૂક્યો? અમે પાકિસ્તાનને એશિયન વાઘ બનાવતા હતા, અમે પાકિસ્તાનને G20માં લઈ જવા માંગીએ છીએ, ”તેમણે ઉમેર્યું કે, “તેમના કાર્યકાળ દરમિયાન તેમની વિરુદ્ધ ધરણાં યોજવામાં આવ્યા હતા, પરંતુ તેઓ જનતા માટે કામ કરતા રહ્યા હતા.”

 

નવાઝ શરીફ બે કેસમાં દોષિત સાબિત થયાં બાદ જામીન પર

નવાઝ શરીફને એવેનફિલ્ડ અને અલ-અઝીઝિયા કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા તેમજ તોશાખાના વાહન કેસમાં પણ ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આ કેસોમાં કોર્ટ દ્વારા નવાઝ શરીફને જામીન મળી ગયા હતા. જેથી તે 2019માં સારવાર માટે યુકે પહોંચ્યા હતા. જેના અપડેટમાં ત્રણ દિવસ પહેલા જ ઈસ્લામાબાદ હાઈકોર્ટે નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવાનો રસ્તો સાફ કરી દીધો હતો. કોર્ટે પૂર્વ વડાપ્રધાનને ભ્રષ્ટાચારના બે કેસમાં રક્ષણાત્મક જામીન આપ્યા છે. અન્ય કોર્ટે એક અલગ કેસમાં તેની સામે ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરી દીધું છે.

આ પણ જુઓ :પાકિસ્તાની ISI માટે જાસૂસી કરનાર ગુજરાત ATS ના હાથમાં ઝડપાયો

Back to top button