ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઇઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે હમાસે પ્રથમ વખત બે અમેરિકન બંધકોને કર્યા મુક્ત

  • કતારની મધ્યસ્થી બાદ હમાસે બે અમેરિકન બંધકોને કર્યા મુક્ત
  • અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મધ્યસ્થી બદલ કતારનો માન્યો આભાર

ઇઝરાયેલ હમાસ યુદ્ધને 14 દિવસ વીતી ચૂક્યા છે પરંતુ આ યુદ્ધનો કોઈ ઉકેલ હજુ સુધી થઈ શક્યો નથી. ત્યારે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે શનિવારે બે અમેરિકન બંધકોને કતારની મધ્યસ્થી બાદ મુક્ત કર્યા છે. આ બંને અમેરિકન માતા અને પુત્રી છે. અમેરિકાના ઇલિનોઇસ પ્રાંતના ઇવાન્સ્ટનની રહેવાસી માતા-પુત્રીની જોડી પાસે ઇઝરાયેલની પણ નાગરિકતા છે.

હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઉબૈદાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કતારની મધ્યસ્થી બાદ માનવતાના આધાર પર બંનેને મુક્ત કરવામાં આવ્યા હતા.” પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, “બંધકોને મુક્ત કરીને અમે અમેરિકન લોકો અને દુનિયાને કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમના ફાસીવાદી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા ખોટા અને પાયાવિહોણા છે.”

 

ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે માતા-પુત્રીની મુક્તિની કરી પુષ્ટિ

 

ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે હમાસમાંથી મા-દીકરી જુડિથ તાઈ રાનન અને નતાલી શોશના રાનનની મુક્તિની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું કે, ”
તેને ઈઝરાયેલના એક સૈન્ય મથક પર લઈ જવામાં આવ્યા છે જ્યાં તેના પરિવારના સભ્યો પણ હાજર છે. તે જ સમયે, અન્ય બંધકોના પરિવારોએ ખુશી વ્યક્ત કરી છે અને બાકીના બંધકોને પણ મુક્ત કરવા અપીલ કરી છે.”

 

રાષ્ટ્રપતિ બાઈડેને માતા અને પુત્રી સાથે કરી વાત

 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને હમાસ દ્વારા મુક્ત કરવામાં આવેલી માતા અને પુત્રી સાથે ફોન પર વાત કરી અને મદદની ખાતરી આપી હતી અને ટ્વિટર પર પોસ્ટ મૂકી જણાવ્યું હતું કે,  “મેં હમણાં જ બે અમેરિકન નાગરિકો સાથે વાત કરી હતી જેમને હમાસ દ્વારા બંધક બનાવ્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા, મેં તેમને કહ્યું કે અમેરિકન સરકાર તેમને સંપૂર્ણ મદદ કરશે.”

 

અમેરિકાએ કતાર સરકારનો માન્યો આભાર

 

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને બંધકોની મુક્તિમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ કતાર સરકારનો આભાર માન્યો હતો. બ્લિંકને જણાવ્યું હતું કે, “ઇઝરાયેલમાં US એમ્બેસીની ટીમ ટૂંક સમયમાં બે અમેરિકન બંધકોને મળશે. જેમાં શિકાગોની એક માતા અને પુત્રી રહેલા છે જેમને 7 ઓક્ટોબરે ઇઝરાયેલથી હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા.” વધુમાં કહ્યું કે, “10 અમેરિકી નાગરિકો સહિત કેટલાક દેશોના લગભગ 200 અન્ય બંધકોને હજુ પણ રાખવામાં આવ્યા છે. હમાસે આ તમામ બંધકોને મુક્ત કરવા જોઈએ.” બ્લિંકને જણાવ્યું હતું કે, “તેણે અન્ય બંધકોના પરિવારો સાથે વાત કરી હતી અને તેમના પરિવારના સભ્યોની મુક્તિ માટે ગંભીરતાથી કામ કરવાનું વચન આપ્યું હતું.”

આ પણ જાણો : મહુઆ મોઇત્રાએ કહ્યું, ‘CBI પણ તપાસ માટે તૈયાર…’, ભાજપે ઉઠાવ્યા સવાલ

Back to top button