ખાદ્ય સામગ્રીઓને GST દાયરામાં આવવાથી દૂધ સહિતની વસ્તુઓ થઈ શકે છે મોંઘી
તાજેતરમાં મળેલી GST કાઉન્સિલની બેઠક બાદ વિવિધ ખાદ્ય સામગ્રીઓને પણ GST માં સામેલ કરવાના કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે છે. હાલમાં અનાજ, દૂધ અને તેની બનાવટો તેમજ અનાજના લોટ, ગોળ જેવી વસ્તુઓને જીએસટીના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી હતી. પણ હવે નવા નિયમ અનુસાર તમામ ખાદ્ય પદાર્થો પર 5 ટકા જીએસટી લાગવા જઈ રહ્યો છે.
જો કે હજી સુધી દૂધ અને તેની કેટલીક બનાવટોને જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યો નથી. પણ અનાજના લોટ અને વિવિધ સામગ્રીઓ જીએસટીમાં આવવાના કારણે તેના સંલગ્ન વસ્તુઓ મોંઘી થવાનો સૌ કોઈને ડર લાગી રહ્યો છે.
આ અંગે માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે જીએસટી કાઉન્સિલના પગલાંથી ડેરી કંપનીઓને વધારાના ખર્ચની અસરમાંથી પસાર થવા માટે તેમના ગ્રાહક ભાવમાં વધારો કરવાની ફરજ પડશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલે તેની 47મી બેઠકમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી, ચોક્કસ ખાદ્ય ચીજવસ્તુઓ, અનાજ વગેરે પર જીએસટીમુક્તિ આપવામાં આવતી હતી, જો બ્રાન્ડેડ ન હોય અથવા બ્રાન્ડના અધિકારને માફ કરવામાં આવ્યો હતો. જેને સુધારવાની ભલામણ કરવામાં આવી છે.
તેમજ કેટલાંક વિશ્લેષકોના મતે, દહીં પર પાંચ જીએસટી વસૂલવાના નિર્ણયને કારણે ડેરી કંપનીઓ ઇનપુટ ક્રેડિટ (પેકેજિંગ મટિરિયલ, ચોક્કસ કાચો માલ, જાહેરાત-ખર્ચ, પરિવહન ખર્ચ વગેરે) મેળવી શકશે. આ સ્થિતિમાં, અમે માનીએ છીએ કે ગ્રાહકો પર જીએસટીના ચોખ્ખી અસર 2 થી 3 ટકાની રેન્જમાં રહેશે.
દહીં અને લસ્સી પર જીએસટી વસૂલવાના નિર્ણયને ધ્યાનમાં લેતા, વિશ્લેષકો માને છે કે મોટાભાગની ડેરી પ્રોડક્ટ્સ હવે જીએસટીના દાયરામાં છે. આઈસ્ક્રીમ, પનીર અને ઘી જેવી કેટલીક ડેરી પ્રોડક્ટ્સ પહેલેથી જ જીએસટીના દાયરામાં છે. જો કે, હજુ પણ પેકેજડ દૂધ પર કોઈ જીએસટી નથી.