અમદાવાદની SVP હોસ્પિટલમાં છ મહિના સુધી વિવિધ ટેસ્ટ 50 ટકા ડિસ્કાઉન્ટમાં થશે
- SVP હોસ્પિટલમાં 6 મહિના માટે 1067 ટેસ્ટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ
- જે ટેસ્ટના ખાનગી હોસ્પિટલોમાં રૂ.200થી 2 હજાર લેવાય તે જ ટેસ્ટ રૂ.50થી રૂ.500 સુધીમાં થશે
- 25 ઓક્ટોબરથી દર બુધવારે-શનિવારે ડિસ્કાઉન્ટ પર થશે મેડિકલ ટેસ્ટ, જેનો રિપોર્ટ વોટ્સએપ પર મળશે
- ખાનગીમાં જે લિપિડ પ્રોફાઇલના 1 હજાર લેવામાં આવે તેના SVP હોસ્પિટલમાં માત્ર 450 રૂપિયા
અમદાવાદ : એલિસબ્રિજ પર VS હોસ્પિટલની પાસે આવેલી AMC દ્વારા સંચાલિત SVP હોસ્પિટલમાં 25 ઓક્ટોબરથી દર બુધવારે અને શનિવારે ડિસ્કાઉન્ટ રેટ પર મેડિકલ ટેસ્ટ કરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ હોસ્પિટલ દ્વારા વોટ્સએપ પર મોકલી આપવામાં આવશે. આ મેડિકલ ટેસ્ટમાં ડેન્ગ્યુ, B12, લિપિડ પ્રોફાઈલ સહિતના 1067 ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પર 6 મહિના માટે 50 ટકા ડિસ્કાઉન્ટ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યું છે. જે ટેસ્ટના ખાનગી હોસ્પિટલોમાં રૂ.200થી 2 હજાર સુધીના ભાવ લેવામાં આવે છે તે જ ટેસ્ટ રૂ.50થી રૂ.500 સુધીમાં SVP હોસ્પિટલ ખાતે કરી આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં જે લિપિડ પ્રોફાઇલના 1 હજાર લેવામાં આવે છે તેના SVP હોસ્પિટલમાં માત્ર 450 રૂપિયા છે.
SVP હોસ્પિટલ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
SVP હોસ્પિટલમાં હવે 1067 જેટલા વિવિધ ટેસ્ટ 50 ટકા ડિસ્કાઉન્ટથી કરી આપવામાં આવશે. ડિસ્કાઉન્ટની આ યોજના 25 ઓક્ટોબરથી 31 માર્ચ 2024 સુધી ચાલશે અને ડિસ્કાઉન્ટથી થતાં ટેસ્ટ માત્ર બુધવાર અને શનિવારે જ કરાવી શકાશે. વિવિધ 1067 ટેસ્ટમાં ડેન્ગ્યુ, વિટામીન બી-12, લિપિડ પ્રોફાઈલ, એસજીપીટી, સીઆરપી, સંપૂર્ણ બ્લડ કાઉન્ટ સહિત અન્યનો સમાવેશ થાય છે.
એસવીપી હોસ્પિટલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, અન્ય ખાનગી હોસ્પિટલોની સરખામણીએ અત્યારે પણ અહીં ઘણા ઓછા દરે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે 6 મહિના માટે આ દરમાં પણ 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાનું હોસ્પિટલ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
દર બુધવારે સવારે ઓપીડીમાં આવતાં લોકો આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે. ટેસ્ટ કરાવ્યા પછી તેનો રિપોર્ટ પણ વોટ્સએપથી મોકલવામાં આવશે. લોકોને રાહત દરે લેબોરેટરી ટેસ્ટનો લાભ મળે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. વિટામિન-12 જેવા ટેસ્ટ ખાનગી હોસ્પિટલમાં 1 હજારથી 2 હજારમાં થાય છે, પરંતુ એસવીપી હોસ્પિટલમાં માત્ર રૂ.500માં કરી આપવામાં આવશે તેવો હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ જાણો :ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા AMCએ કરી આગવી પહેલ