રાજકોટ : રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા મનપાએ લીધો મોટો નિર્ણય
- શહેરમાં ઢોર પકડાય તો ત્રણ ગણો દંડ વસુલાશે
- ઢોરદીઠ રૂ. 500ને બદલે 1500 લેવાશે
- દૂધનું વેંચાણ કરનારા પશુપાલકોએ હવે લાયસન્સ લેવું પડશે
- પ્રથમ વખત જ લાયસન્સ ફી દાખલ
- પરમીટ ચાર્જ રૂ. 25થી વધીને 250 થશે
રાજ્યભરમાંથી રખડતાં ઢોરના મુદ્દે કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટે કરેલા આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા ઢોરનો ત્રાસ દુર કરવા દંડની જોગવાઇ વધારવા સહિતની માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકાનો હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલ કરવામાં આવશે. તેમ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠક્કરે ક્હ્યું હતું. તેઓએ રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ રખડતાં ઢોર પકડાય તો ત્રણ ગણો દંડ લેવાશે અને એનીમલ હોસ્ટેલમાં એક હજારને બદલે ત્રણ હજાર લેવાશે.
ઢોરપકડ પાર્ટી ઉપર વધતા હુમલાના બનાવો
તેઓએ કહ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે અને અવારનવાર ઢોરપકડ પાર્ટી પર હુમલાના બનાવો પણ બને છે. ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માલધારીઓ સાથેે ચર્ચા વિચારણા કરીને માલધારીઓના હિતમાં નિર્ણય લેવાયો હતો. આ પછી બીજા જ દિવસે ગાંધીગ્રામમાં ઢોરપકડ પાર્ટી પર હુમલો થયો હતો. બીજી તરફ માલધારી આગેવાનો દ્વારા માલધારી વસાહત બનાવવાની માગણી પદાધિકારીઓ પાસે કરવામાં આવી હતી. જોકે હાઇકોર્ટનો આદેશ હોય માલધારીઓની માગણીનો સ્વીકાર થયો નહોતો. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
હવેના જનરલ બોર્ડમાં દરખાસ્તને બહાલી અપાશે
જો કે, આ દરખાસ્તને જનરલબોર્ડ બહાલી આપશે ત્યારબાદ અમલ થશે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ પ્રથમવાર જ પશુપાલકોએ લાયસન્સ લેવું પડશે. જે પશુપાલકો દૂધનું વેંચાણ કરે છે તેવા ધંધાર્થીઓને 500 રૂપિયાની ફી ભરીને લાયસન્સ લેવું પડશે. આ લાયસન્સ ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે. ત્યારબાદ રીન્યુ કરવાનું રહેશે. જ્યારે જે પશુપાલકો દૂધનું વેંચાણ કરતાં નથી તેઓ માટે પરમીટ ફરજીયાત કરાઇ છે. અને ત્રણ વર્ષ માટે પરમીટ ફી રૂ.25માંથી વધારીને રૂ. 250 કરાઇ છે. આવી જ રીતે રજીસ્ટ્રેશન ચાર્જ વધારીને રૂ.100ના રૂ. 200 કરાયા છે.