ગાંધીનગર: રાજ્ય સરકાર ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ ડિજિટલ પહેલ દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કર્યો છે. જે અંતર્ગત હવે મુસાફરો એસટી બસનું ભાડું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકશે. GSRTC એ નિગમની 65 વોલ્વો અને એસી કેટેગરીની પ્રીમિયમ બસોમાં પ્રાયોગિક ધોરણે ડેબિટ, ક્રેડિટ કાર્ડ, QR કોડ સાથે POS મશીન દ્વારા ટિકિટની સુવિધા શરૂ કરી છે. રાજ્યના વિવિધ 95 સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાત ST બસની મુસાફરી માટે ટિકિટ લેવી વધુ સરળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં ડિજિટલ ઈન્ડિયાની જાહેરાત કરી હતી, તેમનું સ્વપ્ન ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનું હતું. સામાન્ય માણસને દરેક સુવિધા મળવી જોઈએ. આ માટે ગુજરાત રાજ્ય ડિજિટલ ગુજરાત પહેલમાં હંમેશા અગ્રેસર રહ્યું છે.
ટિકિટ માટે કેશની ચિંતા છોડો
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) વિશે વાત કરીએ તો, ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ વર્ષ 2008માં શરૂ કરવામાં આવી હતી. આ વેબસાઈટ વર્ષ 2013 માં અને iOS અને Android એપ્લિકેશન વર્ષ 2019 માં લોન્ચ કરવામાં આવી હતી, જેણે ફોન બુકિંગ, ચેન્જ બુકિંગ, લિંક સર્વિસ, વેઈટીંગ લિસ્ટ અને ઈ-વોલેટ જેવી સુવિધાઓ સક્ષમ કરી હતી.
હાલ પ્રાયોગિક ધોરણે 100 બસોમાં પાયલોટ પ્રોજેક્ટ
GSRTC અનુસાર વર્ષ 2020માં સેવા સેતુ પોર્ટલ પર પેસેન્જર પાસ, ઓનલાઈન ટિકિટિંગની સુવિધા પણ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે વર્ષ 2021 દિવાળીના તહેવાર માટે ગુજરાત એસટી નિગમમાં એક જ દિવસમાં સૌથી વધુ 94,539 ટિકિટ બુક કરવામાં આવી હતી, જેનાથી કોર્પોરેશનને એક જ દિવસમાં 1,80,17,923 રૂપિયાની આવક થઈ હતી. મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ 21,868 ટિકિટ બુક કરવામાં આવી હતી. વર્ષ 2021માં સતત 37 દિવસ સુધી દરરોજ એક કરોડથી વધુ ઓનલાઈન બુકિંગ થયું અને આ રાજ્ય સરકારની ડિજિટલ ક્રાંતિના કારણે જ શક્ય બન્યું.
આગામી દિવસોમાં તમામ બસોમાં લાગૂ કરાશે
એસટી નિગમ પ્રાયોગિક ધોરણે પ્રીમિયમ બસોમાં સ્વાઇપ મશીન દ્વારા મુસાફરોને ટિકિટ આપે છે, જેમાં મુસાફર તેના ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા POS મશીનમાંથી QR કોડ દ્વારા ટિકિટ મેળવી શકે છે.