ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો છે. અહીં 2.5 ઈચ વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યમાં કેટલીક જગ્યાએ હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગ રૂપે એનડીઆરએફની છ ટીમોને તૈનાત કરી છે. જો કે અમદાવાદમાં વરસાદ ખેંચાતાં લોકો ત્રસ્ત થયા છે. હજુ સુધી અમદાવાદ શહેરમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાડ, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
અમદાવાદમાં વરસાદ ખેંચાતા લોકો ત્રસ્ત
અમદાવાદમાં રોજ વાદળછાયું વાતાવરણ રહે છે પરંતુ વરસાદના પડતા લોકો ત્રાસી ગયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 5 ટકા જેટલો વરસાદ પણ નથી પડ્યો. ગત વર્ષે 3 જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં 5.31 ઈંચ સાથે મોસમનો 16.98 ટકા અને અમદાવાદ જિલ્લામાં 4.૦1 ઈંચ સાથે મોસમનો 17.77 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ હજુ સુધી વરસાદનું પ્રમાણ ત્રણ ગણાથી પણ ઓછું છે. અમદાવાદ જિલ્લામાંથી અન્યત્ર બાવળામાં 1.85 ઈંચ સાથે 6.84 ટકા, દસ્ક્રોઇમાં ૦.78 ઈંચ સાથે 3.11 ટકા, દેત્રોજમાં ૦.૦7 ઈંચ સાથે ૦.33 ટકા, ધંધુકામાં 5.90 ઈંચ સાથે 20.71 ટકા, ધોલેરામાં 2.79 ઈંચ સાથે 10.19 ટકા, ધોળકામાં 3.66 ઈંચ સાથે 12.53 ટકા, માંડલમાં ૦.86 ઈંચ સાથે 4.21 ટકા, સાણંદમાં ૦.35 ઈંચ સાથે 1.12 ટકા અને વિરમગામમાં 2.36 ઈંચ સાથે 9.52 ટકા વરસાદ નોંધાયો છે.
1996થી 2021 પ્રમાણે અમદાવાદ જિલ્લામાં ચોમાસા દરમિયાન સરેરાશ 27 ઈંચ વરસાદ પડતો હોય છે. જોકે, આવનારા દિવસોમાં વરસાદ ગતિ પકડે તેમ હવામાન નિષ્ણાતોનું માનવું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી વરસાદનું પ્રભુત્વ વધવાની સંભાવના છે. વરસાદની સંભાવના મંગળવાર-બુધવારે 87, ગુરુવારે 94 ટકા, શુક્રવાર-શનિવારે 65 ટકા અને રવિવારે 71 ટકા છે.