ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અનુસંધાને મહુધામાં કરાઈ ઉજવણી

  • કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મહુધા ખાતે યોજાયો કૃષિ મેળો
  • ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના કુલ 5 લાભાર્થીઓને રૂ. 2 લાખથી વધુના સહાયપત્રોનું કરાયું વિતરણ
  • મહુધા તાલુકાના મિલેટ્સની ખેતી કરતા ખડૂતોનું સન્માન કરવામાં આવ્યું

મહુધા : 16 ઓક્ટોબરના આંતરાષ્ટ્રીય મિલટ્સ વર્ષ 2023ના ઉજવણીના અનુસધાનમા કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો કૃષિ મેળો, 22 ગામ પાટીદાર સમાજ વાડી, મહુધા ખાતે ખેતીવાડી વિભાગ, ખેડા જિલ્લા પંચાયત દ્વારા યોજાયો હતો.જેમાં દેવુસિંહ ચૌહાણના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત ટ્રેક્ટર અને રોટાવેટરના કુલ 05 લાભાર્થીઓને રૂ. 2.03 લાખના સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહુધા તાલુકાના ગામોમાં રાગી, કોદરી, બાવટો વગેરે મિલેટ્સની ખેતી કરતા કુલ 5 ખેડૂતોનું મિલેટ્સ પ્રોત્સાહન કીટ અને સન્માન પત્રો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કૃષિ મેળામાં લોક કલાકારો દ્વારા મિલેટ્સના લાભ વિશે જાગૃતિ આપતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ખેતી સંલગ્ન વિવિધ બાબતોની માહિતી આપતા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 ઉજવણી અંતર્ગત ભારત સહિત વિશ્વમાં મિલેટ્સના વધતા ઉપયોગ વિશે વાત કરી હતી. દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારત આજે પણ ખેતી પ્રધાન દેશ છે ત્યારે નવી પેઢીના ખેડૂતોને પરંપરાગત ઢબની ખેતીથી આગળ વધીને ખેતીમાં નવતર પ્રયોગના સાહસ કરવા હાકલ કરી હતી.સાથેજ તેમણે ખેતી, આરોગ્ય, પાણી બચાવ, પશુપાલન અને આરોગ્યને લગતાં વિવિધ લોકશિક્ષણના મુદ્દાઓને સરળ શૈલીમાં રજૂ કરી સૌને પોઝિટિવ મિલેટ્સ એટલે કે બાજરી, રાગી, જુવાર વગેરેના ઉપયોગને વધારવા અને આવા ઉમદા પ્રયત્નો થકી ખેડૂતોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. તેમજ કૃષિ સંલગ્ન વિવિધ સ્ટોલની પ્રત્યક્ષ મુલાકાત લઇ સ્ટોલધારકોને પ્રોત્સાહિત કર્યા હતા.

મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ મહુધા તાલુકાના ખેતીના વાવેતર અને વિવિધ કૃષિ સહાય યોજનાઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધામંત્રી કિશાન સન્માન નિધિ યોજના હેઠળ મહુધાના કુલ 23,473 ખેડૂતો પ્રતિ વર્ષ રૂ.6000 ની સહાય આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ રૂ.197 કરોડની સહાય મળેલ છે. ઉપરાંત ખેડૂત અકસ્માત વીમા યોજનામાં ખેડા જિલ્લામાં વર્ષ 2022-23માં કુલ 119 લાભાર્થીઓને રૂ. 238 લાખ વીમા વળતર પેટે ચૂકવવામાં આવેલ છે. તેમજ પ્રાકૃતિક ખેતી, દેશી ગાય આધારિત ખેતી અને મિલેટ્સના ઉપયોગનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો.

સાથેજ, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારીએ મિલેટ્સમેન ડો. કાદરવલ્લીને યાદ કરતા મિલેટ્સના વિવિધ પ્રકારો એટલે પોઝીટીવ, નેગેટીવ અને ન્યુટ્રલ મિલેટ્સનુ સરળ શબ્દોમાં વર્ગીકરણ કર્યુ હતુ. જેમાં પોઝીટીવ મિલેટ્સમાં કોદરી, રાગી વગેરેના સ્વાસ્થ્યને લગતા ફાયદાની વાત જણાવી હતી. સાથેજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલીના કૃષિ વૈજ્ઞાનિક કલ્પેશભાઇએ ખેતીમાં વૈજ્ઞાનીક પદ્ધતિના ઉપયોગ, પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે માહિતિ આપી હતી.

આ ઉપરાંત, કૃષિ મેળામાં મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ. રબારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જીતેન્દ્ર સુથાર, એ.પી.એમ.સી ચેરમન ચંદ્રકાંત પટેલ, પૂર્વ એ.પી.એમ.સી ચેરમેન નિલેશ પટેલ, આગેવાન જયંતિ સોઢા, રૂપેશ રાઠોડ, જિલ્લા સહકારી સંધ મંત્રી અર્જુન વાધેલા, કૃષિ વૈજ્ઞાનિક-દેથલી કલ્પેશભાઈ, બાગાયત અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામશિલ્પીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : ખેડૂતની અદ્ભુત યુક્તિ, મોટરસાઇકલ દ્વાર ડાંગરની થ્રેસીંગ

Back to top button