આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી, IOCએ આપી મંજૂરી

IOC એ ઓલિમ્પિક ગેમ્સ 2028માં ક્રિકેટનો સમાવેશ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ અંગેનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની મુંબઈ બેઠકમાં લેવામાં આવ્યો છે. આઇઓસીના બે સભ્યોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો જ્યારે એક સભ્ય વોટિંગથી દૂર રહ્યા હતા. આ બેઠકમાં ઓલિમ્પિક 2028માં 4 અન્ય રમતોની સાથે ક્રિકેટને સામેલ કરવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ઓલિમ્પિક 2028માં ક્રિકેટની સાથે બેઝબોલ-સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસની રમત પણ રમાશે.

અગાઉ પાંચેય રમતોને સામેલ કરવા માટે વાતચીત ચાલી રહી હતી. ગયા અઠવાડિયે જ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના એક્ઝિક્યુટિવ બોર્ડે આ પાંચ રમતોને ઓલિમ્પિક 2028માં સામેલ કરવાના લોસ એન્જલસના રમત આયોજકોના પ્રસ્તાવ પર વાતચીતને મંજૂરી આપી હતી. જેની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી છે.

IOCના મેમ્બર નીતા અંબાણીએ ખુશી વ્યક્ત કરી

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના સભ્ય નીતા અંબાણીએ ક્રિકેટને ઓલિમ્પિક રમતમાં સામેલ કરતાં ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મને આનંદ છે કે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્યોએ LA સમર ઓલિમ્પિક 2028માં ક્રિકેટને ઓલિમ્પિક રમત તરીકે સામેલ કરવા માટે મત આપ્યો છે. ક્રિકેટ એ વૈશ્વિક સ્તરની બીજી લોકપ્રિય રમત છે. 140 કરોડ ભારતીયો માટે ક્રિકેટ માત્ર એક રમત નથી, તે એક ધર્મ છે તેથી મને ખુશી છે કે મુંબઈમાં આયોજિત 141માં IOC સત્રમાં આપણા દેશમાં આ ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો. વધુમાં જણાવ્યું કે, ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ એ ક્રિકેટની વધતી જતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને પ્રોત્સાહન આપશે.

128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી

અગાઉ 1900 પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાઈ હતી. એટલે કે 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટ વાપસી કરશે. ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવા માટે ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા. ICCની મહેનત બાદ ક્રિકેટને દુનિયાની સૌથી મોટી રમતોત્સવમાં એન્ટ્રી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિક 2028માં ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે. પુરૂષો અને મહિલા બંનેની ઇવેન્ટ હશે. હાલમાં માત્ર 6-6 ટીમોને જ એન્ટ્રી આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ટીમની સંખ્યાને લઈને નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા કરોડો ભારતીયો ઉત્સુક: PM મોદી

Back to top button