અમદાવાદમાં વાડીગામ વિસ્તારના કયા માર્ગને મળ્યું વિશિષ્ટ નામ? જાણો
અમદાવાદ: દરિયાપુરમાં વાડીગામ પોળનો માર્ગ હવે “વાડીગામ હેરિટેજ ગરબા માર્ગ” તરીકે ઓળખાશે. શહેરમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ગરબાના માનમાં માર્ગનું નામકરણ કરાયું હોય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ વાડીગામમાં શ્રી નીલકંઠ મહાદેવથી સરસ્વતી લાઈબ્રેરી સુધીના રસ્તાને આ નામ આપ્યું છે. આ નામની તકતીનું અનાવરણ 11 ઓક્ટોબરે મેયર પ્રતિભા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્લાનિંગ કમિટીએ લીધો હતો નિર્ણય
રોડનું નામ બદલવાનો નિર્ણય ટાઉન પ્લાનિંગ કમિટીએ ગયા વર્ષના ઑક્ટોબરમાં લીધો હતો. નોંધનીય છે કે આ હેરિટેજ પોળમાં યોજાયેલા ગરબાને અગાઉ બે વખત મેયરનો એવોર્ડ મળી ચૂક્યો છે. નામકરણ પ્રસંગે સંસદસભ્ય ડો.કિરીટ સોલંકી, ધારાસભ્ય કૌશિકભાઇ જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેરમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે AMC દ્વારા દરિયાપુરના સ્થાનિકો માટે આ નવરાત્રીની ભેટ કહી શકાય.
ભલે આજે શહેરમાં ગરબા રમવા માટે પાર્ટી પ્લોટ કલ્ચર વધ્યું છે. પરંતુ, આજે પણ પોળના પરંપરાગત ગરબાનું એટલું જ મહત્વ છે. શાહપુરમાં આવેલી સાદુ માતાની પોળના ગરબા પણ વારસાગત મહત્વ ધરાવે છે. નવરાત્રિના આઠમાં દિવસે પોળના પુરુષો મહિલાઓની જેમ તૈયાર થઈ ગરબા રમે છે. 206 વર્ષ જુની પરંપરા આજેય અકબંધ છે. અહીં રહેતા પુરુષો સ્ત્રીઓનો વેશ ધારણ કરીને એટલે કે સાડી પહેરીને આઠમની રાતે ગરબે ઘૂમે છે.
આ પણ વાંચો: અમદાવાદ: રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવરાત્રિનો પ્રારંભ