ગુજરાત
સસ્પેન્ડેડ PSIના સગીર પુત્રએ પોલીસ હેડક્વાર્ટરમાંથી અંગ્રેજી દારૂની 317 બોટલ ચોરી કરી !
જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલી સાયબર ક્રાઇમ ઓફિસ પાછળના રૂમના દરવાજા અને તાળા તોડી સસ્પેન્ડેડ પીએસઆઇના નાબાલીક પુત્રે દારૂ બિયરના જથ્થાની ચોરી કરી હતી. આ અંગે સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કુલ દોઢ લાખ રૂપિયાના દારૂની ચોરી કરવામાં આવી
પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલી સાઇબર ક્રાઇમ ઓફિસ પાછળના ઓફિસર ક્વાર્ટરના મુદ્દામાલ રૂમમાંથી સસ્પેન્ડેડ પીએસઆઇ ભદોરીયાના નાબાલીક 13 વર્ષીય પુત્રે છેલ્લા ચારેક મહિનાના ગાળા દરમિયાન મુદ્દામાલ રૂમના દરવાજા અને તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂપિયા દોઢ લાખની કિંમતની 317 બોટલ દારૂ તેમજ 14 હજાર 500ની કિંમતનો વધુ 29 બોટલ દારૂ, આ ઉપરાંત બિયરના બે ટીનની ચોરી કરી હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને સીટી સી ડિવિઝન પોલીસ દફ્તરના પીઆઇ કે એલ ગાધે એ સસ્પેન્ડ પીએસઆઇના નાબાલીક પુત્ર સામે દારૂ સંબંધિત દારૂ અને ચોરી સંબંધિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કે જે ભોયે સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.
પિતા અગાઉ બે વખત લાંચ લેતા ઝડપાઈ ગયા
હેડક્વાર્ટરમાંથી દારૂની ચોરી કરી લેનાર સગીરના પિતા સસ્પેન્ડેડ પીએસઆઈ છે. અગાઉ તેઓ એક વખત નહીં પણ બે બે વખત લાંચ લેતા ઝડપાઈ ગયા છે. અગાઉ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ દરમિયાન બેદરકાર રહેલા અને લાંચ લેતા પકડાયેલા પીએસઆઇ બે વખત સસ્પેન્ડ થયા હતા. ત્યારે તેના જ 13 વર્ષીય પુત્ર દ્વારા ચોરી આચારવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.