ન્યૂઝીલેન્ડની ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે અને તેણે સતત ત્રણ મેચ જીતી છે. જીતની ખુશી વચ્ચે ન્યુઝીલેન્ડને મોટો આંચકો લાગ્યો છે. લાંબા સમય બાદ સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરનાર કેપ્ટન કેન વિલિયમસનને અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. વિલિયમસન ભારત સામેની મેચ સહિત વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની આગામી ત્રણ મેચોમાં રમી શકશે નહીં. વિલિયમસનની ગેરહાજરીમાં ટોમ લાથમ કીવી ટીમનું સુકાન સંભાળશે.
ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર
વિલિયમસન શુક્રવારે ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન રન લેતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. માર્ચમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દરમિયાન ઘૂંટણમાં ઈજા થયા બાદ વિલિયમસનની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. તે 78 રન બનાવીને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જો વિલિયમસન અંગૂઠાની ઈજામાંથી સાજો થઈ જશે તો તે નવેમ્બરમાં લીગ તબક્કાની છેલ્લી ત્રણ મેચ રમવા માટે ઉપલબ્ધ રહેશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે એક નિવેદનમાં કહ્યું, ‘એક્સ-રેએ પુષ્ટિ કરી છે કે વિલિયમસનના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર છે. શુક્રવારે ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન રન લેતી વખતે થ્રોથી તેના અંગૂઠા પર વાગ્યો હતો.
22 ઓક્ટોબરે કિવી ટીમની ભારત સામેની મેચ
એવું લાગે છે કે નસીબ વિલિયમસનના પક્ષમાં નથી. 18 ઓક્ટોબરે ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામેની મેચ સિવાય વિલિયમસન 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ભારત વિરુદ્ધ અને 28 ઓક્ટોબરે પૂણેમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી મેચમાં રમી શકશે નહીં. કિવી ટીમે પોતાની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ તેની બીજી મેચમાં કિવી ટીમે નેધરલેન્ડને 99 રનથી હરાવ્યું હતું. તેની ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું.