નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ, અમદાવાદ પોલીસનો લોખંડી બંદોબસ્ત
ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે રમાવાની છે. સુરક્ષા માટે 7000 જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસના જવાનો અને સુરક્ષા અધિકારીઓ સાથે એનએસજી, રેપીડ એક્શન ફોર્સ સહિત સીઆરપીએફના અધિકારીઓ અને જવાનો સુરક્ષા સંભાળશે. રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાન પણ સુરક્ષા વ્યવસ્થા અંગે બારીકાઈથી નજર દાખવી રહ્યા છે.
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ
- અમદાવાદમાં લોખંડી પોલીસ બંદોબસ્ત
- 7000 જેટલા જવાનો તૈનાત
- NSG, રેપીડ એક્શન ફોર્સ સહિત CRPF ખડેપગે
- DGP વિકાસ સહાયે આપી માહિતી
- આખું શહેર પોલીસ છાવણીમાં
- સ્ટેડિયમની અંદર-બહાર ડ્રોનથી નજર
- સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન હાજર રહેશે
- અરિજિત સિંહ, શંકર મહાદેવન, સુખવિંદર સિંહ મેચ અગાઉ પરફોર્મ કરશે
- સ્ટેડિયમમાં 108ની ટીમ પણ રહેશે હાજર
- 12 એમ્બ્યુલન્સ, EMT, પાયલટ સહિત 60 જણાનો સ્ટાફ હાજર રહેશે
સુરક્ષાને લઈને DGP વિકાસ સહાયએ પત્રકાર પરિષદ યોજી હતી. આવતીકાલે ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપના જંગમાં મેદાને ઉતરશે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
હાઈવોલ્ટેજ મેચને લઈ ગુજરાત પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત દાખવ્યો છે. અમદાવાદમાં પ્રેક્ષકો સિવાય ચકલુય સ્ટેડિયમની આસપાસના ફરકી શકે એ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મેચ દરમિયાન સીસીટીવી ઉપરાંત ડ્રોનથી પણ સતત તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવનાર છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વિશ્વકપની વનડે મેચને લઈ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ હાઈવોલ્ટેજ મેચને લઈ પોલીસ માટે એક પડકારરુપ આ બંદોબસ્ત છે, જેને પાર પાડવા માટે સંપૂર્ણ બારીકાઈ પૂર્વક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ પણ મેચને લઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાત અને અમદાવાદ પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત દાખવવામાં આવ્યો છે. આ દરમિયાન સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં સતત ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે. શંકાસ્પદ લોકો અને હિલચાલ પર પણ સતત નજર રાખવામાં આવનાર છે. હાઈવોલ્ટેજ મેચ હોવાને લઈ પોલીસ દ્વારા કોઈ જ ચૂક ના રહી જાય એ માટે પહેલાથી જ બારીકાઈ પૂર્વક આયોજન કરવામાં આવ્યુ છે.