સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની કાઢી ભારે ઝાટકણી
- ધારાસભ્યોની ગેરલાયકાતની અરજી પરના નિર્ણયમાં વિલંબ પર નારાજગી કરી વ્યક્ત
- સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવાનો કોઈને અધિકાર નથી : SC
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેટલાક ધારાસભ્યોની ગેરલાયકાતની અરજીનો નિર્ણય લેવામાં વિલંબ થતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરની ભારે ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, સ્પીકર સર્વોચ્ચ અદાલતના આદેશોને અવગણી શકતા નથી. મુખ્ય ન્યાયાધીશ(CJI) ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, “કોઈએ સ્પીકરને સલાહ આપવી પડશે કે તે સુપ્રીમ કોર્ટના આદેશોને રદ કરી શકે નહીં.” અને સોલિસિટર જનરલ તુષાર મહેતાને આ મુદ્દા પર નિર્ણય લેવાની સમયરેખા વિશે કોર્ટને જાણ કરવા જણાવ્યું હતું.
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ઠાકરે જૂથ અને શરદ પવાર જૂથની અરજીઓ પર સંયુક્ત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્ય ન્યાયાધીશે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને એડવોકેટ જનરલ તુષાર મહેતાની દલીલો સાંભળી અને કોર્ટે કહ્યું કે, “અમે 14 જુલાઈના રોજ નોટિસ જારી કરી અને ધારાસભ્યોની યોગ્યતા પર નિર્ણય લેવાનો આદેશ સપ્ટેમ્બરમાં જારી કર્યો હતો, પરંતુ સ્પીકરે કંઈ કર્યું નથી. વિધાનસભા અધ્યક્ષે જૂનથી કોઈ કાર્યવાહી કરી નથી.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ વિશે ?
CJIએ કહ્યું કે, અયોગ્યતાની અરજીઓ પર નિર્ણય આગામી વિધાનસભા ચૂંટણી પહેલા લેવો પડશે, નહીં તો આખી પ્રક્રિયા અર્થહીન બની જશે. બેન્ચે કહ્યું કે, જો તે સ્પીકરની સમયમર્યાદાથી સંતુષ્ટ નહીં હોય તો તે બે મહિનામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપશે. ખંડપીઠે વધુમાં જણાવ્યું કે, “જ્યારે ભારતના બંધારણની વિરુદ્ધ કોઈ નિર્ણય હોય, ત્યારે આ કોર્ટના આદેશોનું પાલન કરવું જોઈએ.”
18 સપ્ટેમ્બરે સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો સામેની ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય માટે સમયરેખા આપવાનો નિર્દેશ આપ્યો હતો.
વિધાનસભા અધ્યક્ષ દ્વારા સુનાવણીમાં વિલંબ થતાં મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલાને જાણીજોઈને પેન્ડિંગ રાખવાના મામલામાં NCP ધારાસભ્ય જયંત પાટીલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જયંત પાટીલે પોતાની અરજીમાં લખ્યું હતું કે, બે મહિનાથી વધુ સમય થઈ ગયો પરંતુ હજુ સુધી સ્પીકરે સંબંધિત ધારાસભ્યોને નોટિસ પણ આપી નથી અને પૂછપરછ માટે બોલાવ્યા નથી. ગેરલાયક ઠેરવવા માટેની અરજી 2 જુલાઈએ આપવામાં આવી હતી જ્યારે રિમાઇન્ડર અને રજૂઆત 5 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બરે આપવામાં આવી હતી. પાટીલે કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે સ્પીકરને પણ મળ્યા હતા અને આ બાબતે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવા વિનંતી કરી હતી.
આ પણ જુઓ :દિલ્હી હાઈકોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થની અરજીઓ ફગાવી